અમરેલી, 22 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી શહેરમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું.
અધિકારીઓએ જણાવ્યું કે આજના સમયમાં વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન ન થવાને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને યુવાવર્ગ મોટરસાઇકલ કે સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવો, ઓવરસ્પીડિંગ કરવું અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો એ મુખ્ય કારણો બને છે.
વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, સીટ બેલ્ટ તથા હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવો, પીધેલી હાલતમાં વાહન ન હંકાવવું અને ઓવરસ્પીડથી દૂર રહેવું એ જીવન બચાવવાના મૂળભૂત નિયમો છે. અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે એક ક્ષણની બેદરકારી માત્ર પોતાના નહીં પરંતુ અન્ય કોઈના જીવનને પણ જોખમમાં મૂકી શકે છે.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પૂછ્યા અને અધિકારીઓએ તેનું સરળ ભાષામાં સમાધાન આપ્યું. ટ્રાફિક શાખાએ વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માતોમાં થતાં નુકસાન અંગે જાગૃત કર્યા અને સલામત ડ્રાઇવિંગ માટે પ્રતિજ્ઞા લેવડાવી.
આ અવસર પર કોલેજના પ્રોફેસરશ્રીઓએ પણ વિદ્યાર્થીઓને માર્ગ સલામતીનું મહત્વ સમજાવીને હંમેશાં નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો.
જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા જણાવાયું કે આવનારા સમયમાં આવા જાગૃતિ કાર્યક્રમો અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ યોજાશે જેથી યુવાનોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને અકસ્માતોમાં ઘટાડો થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai