સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા અને મકાન દલાલીનું કામ કરતા આધેડની કાર તેના પુત્રના મિત્રએ લગ્નમાં વાપરવા માટે લીધી હતી. પરંતુ ત્યારબાદ તેમણે અન્ય યુવક સાથે મળી કારને બારોબાર પચાવી પાડી હતી અને તારે બે લાખ રૂપિયા આપવા પડશે નહીંતર ગાડી નહીં મળે તેવું કહીને આધેડ પ્રોપટી દલાલને એલ ફેલ ગાળો આપી ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર આધેડે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટી મોણપરા ગામના વતની અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં સિલ્વર ચોક પાસે આવેલ શિક્ષાપત્રી એવન્યુમાં રહેતા 48 વર્ષીય રતિભાઈ નરસિંહભાઈ ઝાલાવાડીયા મકાન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રતિભાઈના પુત્રના મિત્ર પાર્થ જાન્યુઆરી 2025 માં તેમને મળવા માટે આવ્યો હતો અને પોતાના મિત્રના લગ્ન હોવાથી 15 દિવસ માટે ગાડી માંગી હતી. જેથી રતિભાઈએ દીકરાનો મિત્ર હોવાથી પોતાની GJ.01.WI 9242 નંબરની વરના કાર પાર્થને આપી હતી. 15 દિવસના બદલામાં બે મહિના જેટલો સમય થવા છતાં પણ ગાડી પરત નહીં આપતા રતિભાઈએ તેમની પાસે ગાડી પરત માંગી હતી પરંતુ પાર્થે તેના મિત્ર કરણ ભરવાડ સાથે મળી કર સગેવગે કરી નાખી હતી અને બાદમાં બંનેએ ભેગા મળી રતિભાઈ ને એલ ફેલ ગાળો આપી પોતાની કાર પરત જોઈતી હોય તો તારે બે લાખ રૂપિયા આપવા પડશે તેમ કહીને ધમકી આપી હતી. બંનેએ ભેગા મળી પૈસા કઢાવવા માટે રતિભાઈની ગાડી પોતાની પાસે રાખી લીધી હતી. જેથી આખરે ભોગ બનનાર રતિભાઈએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રતિભાઈની ફરિયાદ લઈ પાર્થ અને કરણ ભરવાડ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે