મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.): ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશને 2017-18ના બજેટમાં ₹763 કરોડ ફાળવેલા આ પ્રોજેક્ટ અંતર્ગત કલોલ-કડી-કટોસણ રોડ સુધીની 37 કિમી રેલવે લાઈનનું ₹347 કરોડના ખર્ચે બ્રોડગેજ રૂપાંતર અને બહુચરાજી-રણુજ વચ્ચેના 40 કિમી ટ્રેકનું ₹520 કરોડના ખર્ચે રૂપાંતર કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષના કાર્ય બાદ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે 6 વાગ્યે સાબરમતીથી કડી વચ્ચે મેમુ ટ્રેનનું ઓનલાઈન લોકાર્પણ કર્યું, જ્યારે કટોસણ રોડથી સાબરમતી સુધી મુસાફર ટ્રેન અને બહુચરાજીથી કાર લોડ માલગાડી માટે લીલી ઝંડી આપવામાં આવી છે.
કડી રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલે કડી રેલવે સ્ટેશનના અદ્યતન નિર્માણમાં ઊભેલા ટેકનિકલ પ્રશ્નો ઉકેલવા માટે બંને સાંસદોના સહયોગની વાત કરી હતી, જ્યારે સાંસદ મયંક નાયકે મહેસાણા જિલ્લાના પાયાના પ્રશ્નો તથા રેલવે સ્ટેશનના વિકાસ માટે સતત પ્રયાસો કરી રહ્યા હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR