નવી દિલ્હી, 5 ઓગસ્ટ (હિ.સ.)
ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે
મંગળવારે, પોતાના નામે એક અનોખો રેકોર્ડ બનાવ્યો. તેઓ હવે દેશના સૌથી લાંબા સમય
સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપનારા બન્યા છે.
અમિત શાહે આ પદ પર 2,258 દિવસ (6 વર્ષ 65 દિવસ) પૂર્ણ કર્યા છે, જે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીના 2,256 દિવસ (6 વર્ષ 64 દિવસ) ના
કાર્યકાળને પાછળ છોડી દે છે. અડવાણીએ, 19 માર્ચ 1998 થી 22 મે 2004 સુધી આ પદ સંભાળ્યું હતું. તે સમયે અટલ બિહારી વાજપેયી
પ્રધાનમંત્રી હતા.
સંસદ ભવનના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં યોજાયેલી, એનડીએ
સંસદીય પક્ષની બેઠકમાં, પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી તરીકે અમિત શાહના યોગદાનની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ,
દેશના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપવા બદલ અમિત શાહને અભિનંદન
આપ્યા.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહે 30 મે 2019 ના રોજ ગૃહમંત્રી પદની જવાબદારી સંભાળી હતી. પ્રધાનમંત્રી
મોદીના પહેલા કાર્યકાળમાં રાજનાથ સિંહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2019 ની લોકસભા
ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ જીત મેળવ્યા બાદ, પ્રધાનમંત્રી મોદીના બીજા કાર્યકાળમાં અમિત શાહને ગૃહમંત્રી
બનાવવામાં આવ્યા હતા અને તેઓ હાલમાં પણ આ પદ પર કાર્યરત છે. અમિત શાહ 10 જૂન 2024 ના રોજ બીજી વખત
ગૃહમંત્રી બન્યા.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ