ચંડીગઢ, નવી દિલ્હી, 5 ઓગસ્ટ (હિ.સ.) કબૂતરબાજીના કેસોની તપાસના સંદર્ભમાં મંગળવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ, અમૃતસર અને ગુરદાસપુરમાં દરોડા પાડ્યા હતા. દરોડા પાડવાની કાર્યવાહી ઘણા કલાકો સુધી ચાલી હતી. આ દરમિયાન એનઆઈએ અધિકારીઓએ ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને લેપટોપ વગેરે જપ્ત કર્યા છે.
ડંકી રૂટ દ્વારા અમેરિકા પહોંચેલા, હરિયાણા અને પંજાબના ઘણા યુવાનોને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. આ યુવાનોના પરત ફર્યા બાદ એનઆઈએ આ મામલાની તપાસ કરી રહી છે. એનઆઈએ ટીમોએ આજે અમૃતસર શહેરના શાસ્ત્રી નગર અને ગુરદાસપુરના ફતેહગઢ ચુરિયન વિસ્તારમાં એક ઘર પર દરોડા પાડ્યા હતા.
એનઆઈએ અધિકારીઓની એક ટીમે, અમૃતસરમાં વિશાલ શર્મા નામના યુવકના ઘરે દરોડા પાડ્યા હતા. વિશાલ રણજીત એવન્યુમાં, ઇમિગ્રેશનનો વ્યવસાય કરે છે. આ ઉપરાંત એનઆઈએની બીજી ટીમે, ગુરદાસપુરના ફતેહગઢ ચુરિયન નજીક આવેલા ચિત્તૌડગઢ ગામમાં નિવૃત્ત સૈનિક કાકા ફૌજી ઉર્ફે કાશ્મીર સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. બંને સ્થળોએ એનઆઈએ ટીમોના સર્ચ ઓપરેશન દરમિયાન સ્થાનિક પોલીસ પણ હાજર હતી અને વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. એનઆઈએને યુવકના વ્યવસાય સાથે સંબંધિત કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો અથવા પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી હતી. એનઆઈએ અધિકારીઓએ બંને સ્થળોએ ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો વગેરે જપ્ત કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ