જામનગર, 1 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં SOG પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. દરેડ GIDC વિસ્તારમાં મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતી મહિલાને પકડી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે દરેડ GIDCની 72 ખોલીમાં આવેલા રાજસિંહના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં બાઘીબેન રણજીતભાઈ ખાટલીયા નામની મહિલા 'જાહલ ક્લિનિક' નામનું દવાખાનું ચલાવતી હતી. તેઓ મેડિકલ ડિગ્રી ધરાવ્યા વગર દર્દીઓને તપાસી, દવાઓ અને ઈન્જેક્શન આપતી હતી.
SOG પોલીસે આરોપી પાસેથી વિવિધ કંપનીઓની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતનો કુલ રૂ. 4,979નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી બાઘીબેન સરદારનગર, દરેડમાં રહે છે. પોલીસે આરોપી વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963ની કલમ 30 અને BNS કલમ 125 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહી એસઓજીના PI બી.એન.ચૌધરી, PI એલ.એમ.ઝેર અને PI એ.વી.ખેરની ટીમે કરી હતી. આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt