મહેસાણા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે મા અંબાના પાવન દર્શન માટે ભક્તિભાવથી ભરપૂર પદયાત્રી સંઘનું મહેસાણા શહેરમાંથી ભવ્ય પ્રસ્થાન થયું. આ અવસરે પદયાત્રીઓએ ધ્વજવંદન અને માતાજીના જયઘોષ સાથે શ્રદ્ધાભેર યાત્રાની શરૂઆત કરી. સંગીત-ભજન અને શાંતિના સંદેશ વચ્ચે યાત્રાનું માહોલ ધાર્મિક ઉત્સાહ અને આસ્થા સાથે ગૂંજી ઉઠ્યું.
યાત્રીઓના આરામ, ભોજન-પાન તથા તબીબી સહાય જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે શ્રી મહાકાળી મિત્ર મંડળ, મહેસાણા દ્વારા ખાસ સેવાકેમ્પની સ્થાપના કરવામાં આવી. આ સેવાકેમ્પનું ઉદ્દઘાટન શહેરના આગેવાનો તથા મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું. મંડળના સેવાભાવી કાર્યકરો સતત પદયાત્રીઓની સુવિધા માટે તત્પર રહ્યા.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું કે ધાર્મિક પદયાત્રા માત્ર ભક્તિની અભિવ્યક્તિ નથી પરંતુ સમાજમાં એકતા, સેવાભાવ અને સંસ્કૃતિના સંવર્ધનનું ઉત્તમ ઉદાહરણ છે. મહેસાણા શહેર તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો યાત્રામાં જોડાયા.
આ રીતે પદયાત્રીઓનું પ્રસ્થાન અને સેવાકેમ્પનું ઉદ્દઘાટન ભક્તિ, સેવા અને સંસ્કૃતિના સુન્દર સમન્વયનો પ્રેરક દ્રશ્ય બની રહ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR