ગીર સોમનાથ, 1 સપ્ટેમ્બર (હિ.સ.)
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પૂજ્ય માતાશ્રી વિષે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આજે ભારતીય જનતા યુવા મોરચા (BJYM) દ્વારા વેરાવળ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વેરાવળ બસ સ્ટેશન પાસે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને રાહુલ ગાંધીનું પૂતળું દહન કર્યું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. સંજયભાઈ પરમાર, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ બારડ, યુવા ભાજપના જિલ્લા મહામંત્રી હાર્દિકભાઈ ઝાલા, વેરાવળ સોમનાથ શહેર ભાજપ પ્રમુખ શૈલેષબાપુ મેસવાણિયા, મહામંત્રી જયેશભાઈ પંડ્યા અને મૌલિકભાઈ વૈયાટા, આર્થિક સેલના જિલ્લા કન્વીનર અરવિંદભાઈ રાણીંગા, અન્ય ભાષા ભાષી ના જિલ્લા સેલના જિલ્લા કન્વીનર લાલચંદ પરશુરામ જી તેમજ નગરસેવક નિલેશભાઈ વિઠલાણી અને કિશનભાઈ જેઠવા સહિત વિવિધ મોરચાના પ્રમુખો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદનની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રકારની અભદ્ર ટિપ્પણી ભારતીય સંસ્કૃતિ અને રાજકીય પરંપરા વિરુદ્ધ છે. તેમણે માંગ કરી હતી કે રાહુલ ગાંધી આ નિવેદન બદલ દેશની માફી માંગે.
આ વિરોધ પ્રદર્શન દ્વારા BJYM એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દેશના વડાપ્રધાન અને તેમના પરિવાર વિરુદ્ધ આવા અપમાનજનક શબ્દો ક્યારેય સહન કરવામાં આવશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ