અમરેલી, 1 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી શહેરમાં સારહી યુથ ક્લબ દ્વારા આ વર્ષે ભવ્ય રીતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવની શ્રદ્ધા અને ભક્તિથી ઓતપ્રોત માહોલમાં ગણપતિ મહારાજની પૂજા-અર્ચના તેમજ દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગણપતિ બાપાના જયઘોષ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું.
આ પ્રસંગે શહેરના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા વિશિષ્ટ અતિથિઓ ઉપસ્થિત રહી ભક્તિભાવ સાથે આરતી ઉતારી. ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવવાનું છે, જેમાં યુવાનોની સક્રિય ભાગીદારી જોવા મળી રહી છે.
સારહી યુથ ક્લબ દ્વારા દર વર્ષે ગણેશોત્સવમાં સામાજિક સંદેશ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ શાંતિ, એકતા અને સમરસતાનો સંદેશ આપતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ ક્લબની આ સેવા ભાવનાને બિરદાવતા ભક્તિપૂર્વક ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai