ગાંધીધામ, 1 સપ્ટેમ્બર (હિ.સ.)-ભારતના ઓલિમ્પિયન ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઈએ, ચેક રાષ્ટ્રમં ઓમેગા સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 28થી 31મી ઓગસ્ટ દરમિયાન યોજાયેલી WTT ફીડર ઓલોમોસ 2025 ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. ફાઇનલમાં ત્રીજા ક્રમના હરમિતનો સાતમા ક્રમના ઇરાનિયન ખેલાડી નોશાદ અલામિયાંસામે 2-3થી પરાજય થયો હતો.
32 વર્ષીય હરમિતે ટુર્નામેન્ટમાં વિજય સાથે પ્રારંભ કર્યો હતો. તેણે સ્થાનિક ખેલાડી અને અહીં બિનક્રમાકિત તરીકે રમેલા જાકુબ ઝેલિન્કાને 3-2થી હરાવ્યો હતો. ત્યાર બાદ રાઉન્ડ ઓફ 16માં તેણે જાપાનના 14મા ક્રમના રાયુસેઈ કાવાકામી સામે 3-1થી વિજય હાંસલ કર્યો હતો. સુરતના આ સ્ટાર ખેલાડીએ ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના બિનક્રમાંકિત એવા લોરેન્સ ડેવોસને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
હરમિતનો સૌથી આસાન વિજય સેમિફાઇનલમાં જોવા મળ્યો હતો જ્યાં તેણે જાપાનીઝ ક્વોલિફાયર સોતા નોડાને 3-0થી હરાવ્યો હતો.
વિશ્વમાં 82મો ક્રમાંક ધરાવતા હરમિતે ઇન્ટરનેશનલ લેવલ પર સારી સફળતા હાંસલ કરી છે. જુલાઈમાં આર્જેન્ટિના ખાતેની WTT કન્ટેન્ડરમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો તો રવિવારે ચેક રાષ્ટ્રમાં તેણે સિલ્વર હાંસલ કર્યો હતો.
હજી ગયા સપ્તાહે જ હરમિતે અમદાવાદમાં યોજાયેલી, GSLમાં મલ્ટિમેટ માર્વેલ્સ માટે રમીને તેની ટીમને ટાઇટલ જીતવામાં મદદ કરી હતી અને તે ફોર્મ સાથે ચેક રાષ્ટ્રની આ ટુર્નામેન્ટમાં રમવા ગયો હતો.
હરમિત દેસાઈએ જણાવ્યું હતું કે, “ઓલોમોસ ખાતેની ફાઇનલમાં મારી રમતથી હું ખુશ છું. નોશાદ એક સારો ખેલાડી છે અને તેની સામે મેં સારી રમત દાખવી હતી અને તકનો લાભ ઉઠાવ્યો હતો. આ મેચ ગમે તે પક્ષે જઈ શકે તેમ હતી.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે