મહેસાણા, 1 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના વિનય વિદ્યામંદિર, આખજ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ 2025નું ભવ્ય આયોજન થયું, જેમાં અનેક શાળાના વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓએ પોતાની પ્રતિભા દર્શાવી. આ કાર્યક્રમમાં નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ અનોખું પ્રદર્શન કરીને સૌનું મન જીતી લીધું.
એક પાત્રીય અભિનય સ્પર્ધામાં પ્રજાપતિ નેહા રાજેશભાઇએ પોતાના જીવંત અભિનય દ્વારા જજ પેનલ સહિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. પાત્રને જીવીત કરી દેવાની તેમની ક્ષમતાને કારણે તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. તે જ રીતે લગ્નગીત સ્પર્ધામાં રાવળ ધારા લાલાભાઇએ મધુર સ્વરોથી પરંપરાગત ગીતને અનોખી મીઠાશ આપી તૃતીય ક્રમ મેળવ્યો. બંને વિદ્યાર્થિનીઓની આ સિદ્ધિ માત્ર શાળાનું જ નહીં, પરંતુ સમગ્ર નાલંદા પરિવારનું ગૌરવ છે. શાળા પરિવાર અને શિક્ષકમંડળે તેમને અભિનંદન પાઠવ્યા સાથે ભવિષ્યમાં વધુ સફળતા મેળવવા પ્રોત્સાહન આપ્યું.
શિક્ષકોનું માર્ગદર્શન અને પરિવારજનોએ આપેલો ઉત્સાહ આ સિદ્ધિના પાયાના સ્તંભ છે. કલા મહાકુંભ જેવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓની છુપાયેલી કળાને ઉજાગર કરીને તેમને આત્મવિશ્વાસી અને સશક્ત બનાવે છે. નાલંદાની વિદ્યાર્થિનીઓની આ સિદ્ધિ ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR