મહેસાણા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) આજરોજ ત્રાસવાડ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય મંત્રાલયના RKSK (રાષ્ટ્રીય કિશોર આરોગ્ય કાર્યક્રમ) અંતર્ગત પિયર એજ્યુકેટર હેલ્થ ક્લબ દ્વારા કિશોર-કિશોરી મીટિંગ યોજાઈ. આ મીટિંગમાં ગામના કિશોર-કિશોરીઓને આરોગ્ય, શારીરિક વિકાસ તથા જીવનશૈલી સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં નિષ્ણાતોએ કિશોરાવસ્થામાં થતા શારીરિક તથા માનસિક ફેરફારો વિશે વિગતવાર સમજાવીને યોગ્ય આહાર, સ્વચ્છતા અને નિયમિત કસરતના મહત્વ પર ભાર મૂક્યો. સાથે સાથે NDD (નેશનલ ડીવોર્મિંગ ડે) પ્રોગ્રામ વિશે માહિતી આપી, જેમાં કિશોર-કિશોરીઓને પેટના પરોપજીવી કીડાના નિયંત્રણ માટે દવા લેવાની જરૂરિયાત સમજાવવામાં આવી.
આ ઉપરાંત NVBDCP (રાષ્ટ્રીય વેક્ટરજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ) વિષે પણ ચર્ચા કરવામાં આવી, જેમાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી બચવા માટે જરૂરી સાવચેતીઓ વિશે માર્ગદર્શન અપાયું.
કાર્યક્રમ દરમ્યાન પોસ્ટર પ્રદર્શન દ્વારા સવારે યોગ અને કસરત કેવી રીતે કરવી તે અંગે જીવંત રજૂઆત કરવામાં આવી. કિશોર-કિશોરીઓએ સક્રિય ભાગ લઈ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો.
આ રીતે ત્રાસવાડ ખાતે યોજાયેલી આ મીટિંગ કિશોર-કિશોરીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થઈ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR