વડોદરા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગોની એક ફ્લાઈટમાં મુસાફરોને ભારે અકળામણનો સામનો કરવો પડ્યો હતો. માહિતી મુજબ, ઈન્ડિગોની 6E 957 ફ્લાઈટ વડોદરા થી પુણે જવા માટે સવારે 10:25 વાગ્યે ટેકઓફ થવાની હતી. પરંતુ નિર્ધારિત સમયે ઉડાન ન ભરાતા મુસાફરો લાંબા સમય સુધી વિમાનમાં જ અટવાયા રહ્યા. અંદાજે એક કલાક સુધી વિમાન રનવે પર ઉભું રાખવામાં આવ્યું, પરંતુ મુસાફરોને કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી.
મુસાફરોનો આક્ષેપ છે કે ફ્લાઈટમાં બોર્ડિંગ બાદ એર કન્ડિશનિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી ન હતી, જેના કારણે વિમાનની અંદર ગરમી વધી ગઈ હતી અને મુસાફરો પરેશાન થઈ ગયા હતા. નાનાં બાળકો અને વૃદ્ધ મુસાફરોને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીકવાર મુસાફરો એરલાઈન સ્ટાફને પ્રશ્નો પૂછતાં રહ્યા પરંતુ તેમને સંતોષકારક જવાબ મળ્યો નહીં.
વિમાનમાં મુસાફરોના બનાવેલા વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. જેમાં તેઓ એરલાઈનની બેદરકારી અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા સાથે એટલી બેદરકારી યોગ્ય નથી. મુસાફરોની ફરિયાદ છે કે વિમાનમાં એક કલાક સુધી અટકાવવામાં આવ્યા છતાં પાણી કે કોઈ રિફ્રેશમેન્ટની સુવિધા પણ આપવામાં આવી ન હતી.
આ બનાવને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ઈન્ડિગો એરલાઈનને ટેગ કરી નારાજગી વ્યક્ત કરી છે અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. એરલાઈન તરફથી હજુ સુધી આ વિલંબનું ચોક્કસ કારણ જણાવાયું નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ ટેકનિકલ ખામી અથવા ઓપરેશનલ કારણસર ફ્લાઈટ સમયસર ટેકઓફ ન થઈ શકી હોવાનું મનાય છે.
આ બનાવ મુસાફરો માટે તકલીફદાયક બન્યો હોવા છતાં એરલાઈન તરફથી સ્પષ્ટતા ન મળતા લોકોમાં અસંતોષ વધ્યો છે. મુસાફરો ઈચ્છે છે કે આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ન સર્જાય અને એરલાઈન મુસાફરોને યોગ્ય સુવિધા તેમજ સમયસર માહિતી પૂરી પાડે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya