સુરત, 1 સપ્ટેમ્બર (હિ.સ.)-ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય
પાલીવાલાની અધ્યક્ષતામાં વરાછા સરદાર કોમ્યુનિટી હોલ ખાતે સુરત નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિના શતાબ્દી મહોત્સવ અને શ્રીમદ્ ભગવદગીતા શ્લોકનો અભ્યાસ વર્ગ યોજાયો
હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્થાપના ૧૯૨૫માં થઈ હતી. ૨૦૨૫માં ૧૦૦ વર્ષની
શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ
પ્રસંગે સંસ્કૃત બોર્ડના ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, સંસ્કૃત
ભાષામાં તમામ ભાષાઓના મૂળ રહેલા છે. મનુષ્ય જે ભાષાનું સતત શ્રવણ કરે છે, તેમાં તે
સરળતાથી નિષ્ણાત બની જાય છે. સંસ્કૃત ભાષાના અભ્યાસથી માત્ર ભાષા જ નહીં પરંતુ
જ્ઞાન, સંસ્કાર અને જીવનમૂલ્યોનો ખજાનો પ્રાપ્ત થાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોક સંસ્કૃત ભાષામાં લખાયેલા છે, જેમાં
માનવજીવનની દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. પરંતુ સંસ્કૃત ભાષા અજ્ઞાનના કારણે ગીતા શ્લોકો કંઠસ્થ કરવામાં મુશ્કેલીઓનો
સામનો કરવો પડે છે. જેથી સંસ્કૃતનો અભ્યાસ અને પઠન કરવાએ સમયની માંગ છે, જે
આધ્યાત્મિક જાગૃતિ સાથે વ્યક્તિગત વિકાસમાં પણ સહાયરૂપ બને છે.”
વધુમાં તેમણે કહ્યું કે, ગીતાનું અધ્યયન
જીવનમાં સુખ-સમૃદ્ધિ, આત્મશાંતિ અને આધ્યાત્મિક તેજ પ્રદાન કરે છે. ગીતાના
પાઠ કરતા ભક્તિભાવ અને શ્રદ્ધા જોડાય ત્યારે જ સાચું ફળ પ્રાપ્ત થાય છે. સંસ્કૃત
ભાષાના પુનઃજાગરણથી સમાજમાં ધાર્મિકતા, નૈતિકતા અને
સંસ્કારનો વિકાસ થશે, જે નવા યુગમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પાયાનું
નિર્માણ કરશે. સંસ્કૃત ભાષા માત્ર એક શૈક્ષણિક વિષય નથી, પરંતુ
સમાજને એકતાબદ્ધ, સંસ્કારી અને જાગૃત બનાવવા માટેની અનિવાર્ય કડી હોવાનું
તેમણે કહ્યું હતું.”
આ
પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા, શિક્ષણ
સમિતિના સભ્ય સર્વશ્રી રંજનબેન ગોસ્વામી, નિરંજનાબેન જોશી, સ્વાતીબેન
સોસા, રાકેશ વેકરિયા, અનુરાગભાઈ કોઠારી, અગ્રણી
સર્વશ્રીઓ વિનોદ ગજેરા, યશોદરભાઈ દેસાઈ, અશોક જોશી, સાયન્સ
કોલેજ કામરેજના ભરતભાઈ વ્યાસ, નિવૃત શિક્ષક
મહારૂદ્ર શર્મા, સંસ્કૃત બોર્ડના સભ્યશ્રીઓ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા
હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે