જામનગર, 1 સપ્ટેમ્બર (હિ.સ.): પર્યાવરણની સુરક્ષા અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે જામનગરમાં ૭૬માં વન મહોત્સવની “એક પેડ માં કે નામ ૨.૦” અંતર્ગત જામનગર શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશના મહાન સપૂત સ્વ. કનૈયાલાલ મુનશીજી દ્વારા વર્ષ ૧૯૫૦માં શરૂ કરાયેલી પરંપરાને જાળવી રાખી, વન વિભાગ અને જામનગર મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. વન મહોત્સવ અંતર્ગત, જામનગર જિલ્લામાં વનીકરણના અનેક પ્રગતિશીલ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા જામનગર જિલ્લામાં કુલ ૧૯.૪૩ લાખ ઔષધીય, સ્થાનિક, અને ફળાઉ પ્રજાતિના રોપાઓ ઉછેરવામાં આવ્યા છે, જેનું આ મહોત્સવના માધ્યમથી વિતરણ તથા વાવેતર કરવામાં આવશે. ચાલુ વર્ષે વિવિધ સરકારી યોજનાઓ હેઠળ કુલ ૧૧૬ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ વિશેષ અભિયાન હેઠળ જામનગર જિલ્લામાં ૧૫.૯૩ લાખ રોપા વાવવાનો કે વિતરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગત વર્ષે ૧ હેકટરમાં વન કવચનું નિર્માણ કરવામાં આવેલ છે. અને ચાલુ વર્ષે ૨ હેકટર વિસ્તારમાં વન કવચ અને ૧ હેક્ટર વિસ્તારમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવશે.
આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસુર્યાએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મીંગની અસર ઘટાડવા માટે વધુમાં વધુ વુક્ષ વાવેતર થાય તે આજના સમયની માંગ છે આ સમયે તેઓએ વન મહોત્સવની શરૂઆત કરાવનારા સ્વ. શ્રી કનૈયાલાલ મુનશીજીને યાદ કર્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે વન વિભાગ દ્વારા વધુમાં વધુમાં વૃક્ષો નું વાવતેર થાય તે હેતુ થી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે અને જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં રોડ સાઈડ અને રોપા વાવેતર થઈ શકે તેવા વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ કાર્યક્રમમાં હાજર રહેલ તમામને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવામાં આવેલ હતો. આ પ્રસંગે ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત'ના સ્વપ્નને સાકાર કરી શકાય તે હેતુથી ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને વૃક્ષારોપણ અને તેના જતન માટે પ્રતિબદ્ધતા દાખવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી, કમિશનર ડી. એન. મોદી, વન અધિકારી પ્રશાંત તોમર અને એ. પી. પટેલ, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સંસ્થાના ટ્રસ્ટી મુળુભાઈ કંડોરીયા, લાલાભાઇ ગોરીયા, હરદાસભાઈ કંડોરીયા, કનારા, આમંત્રિત મહેમાનો, કોર્પોરેટરો, વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt