અમરેલી , 1 સપ્ટેમ્બર (હિ.સ.)
આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર-2 દ્વારા મોટા કસ્બા તથા ખત્રીવાડ વિસ્તાર ખાતે આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી. વિસ્તારના ખુલ્લા પાણીના ટાંકા અને બંધ મકાનોની ટાકીમાં મચ્છરજન્ય રોગચાળો રોકવા માટે ગપ્પી ફિશ મુકવામાં આવી. ગપ્પી માછલી મચ્છરના લાર્વાને ખાઈને તેનો નાશ કરે છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો જેમ કે મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોમાં ઘટાડો થાય છે.
આ ઉપરાંત પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી, જેમાં પાણી ભરાયેલા સ્થળો તથા ગંદકીવાળા વિસ્તારોમાં દવાના છંટકાવ દ્વારા મચ્છરોનાં પ્રજનન સ્થળો નાશ પામે તેવા પ્રયાસો હાથ ધરાયા. સાથે જ સ્થાનિક લોકોને પાણીજન્ય રોગો વિશે જાગૃત કરવામાં આવ્યા. તેમને સ્વચ્છ પીવાનું પાણી રાખવા, બિનજરૂરી પાણી સંગ્રહ ટાળવા, ઘરની આસપાસ ગંદકી ન રહે તે માટે નિયમિત સફાઈ રાખવાની સલાહ આપવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા અને પર્સનલ હાઈજીન જાળવવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો. હાથ ધોવાની આદત, શુદ્ધ પાણીનો ઉપયોગ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી એ રોગોથી બચાવનું મુખ્ય હથિયાર હોવાનું સમજાવવામાં આવ્યું.
આ પ્રકારની કામગીરીથી નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાય છે અને રોગચાળો અટકાવવામાં મદદ મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai