વડોદરા, 1 સપ્ટેમ્બર (હિ.સ.): વડોદરા શહેરમાં ગણેશોત્સવ દરમિયાન વિઘ્નહર્તા બાપ્પાના વિસર્જનનો મહોત્સવ ભવ્ય રીતે ઉજવાય છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રા સાથે ગણેશજીનું વિસર્જન કરવા માટે નીકળે છે. ખાસ કરીને જુનીગઢી વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પર ભારે ભીડ ઉમટી પડતી હોય છે. આવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સંદર્ભે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી.
પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે વિસર્જન યાત્રા દરમિયાન શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવશે. જુનીગઢી વિસ્તાર ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો, નદીકાંઠા અને તળાવ વિસ્તારોમાં પૂરતા પોલીસકર્મીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ટ્રાફિક માટે અલગ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે જેથી જનતા તથા શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થાય. સાથે જ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા પોલીસની પણ ફરજ ગોઠવાઈ છે. કમિશનરએ વધુમાં જણાવ્યું કે, CCTV કેમેરા, ડ્રોન સર્વેલન્સ તથા કમાન્ડ કન્ટ્રોલ રૂમ મારફતે સતત મોનીટરીંગ કરવામાં આવશે. વિવિધ ધાર્મિક અને સામાજિક આગેવાનો સાથે બેઠક કરીને શાંતિપૂર્ણ વિસર્જન માટે સહયોગ માગવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજ ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રાખવામાં આવશે.
આ પ્રસંગે તેમણે નાગરિકોને અપીલ કરી કે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિસર્જનનો કાર્યક્રમ પૂર્ણ કરે અને પોલીસ તંત્રને સહકાર આપે. વડોદરા પોલીસ દ્વારા સુચિત માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરવામાં આવશે તો વિસર્જન મહોત્સવ વધુ ભવ્ય અને સુરક્ષિત રીતે ઉજવી શકાશે. આ રીતે પત્રકાર પરિષદમાં સમગ્ર આયોજન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya