ગીર સોમનાથ, 10 સપ્ટેમ્બર (હિ.સ.) રાજકિય તેમજ સામાજિક સંગઠનો તેમજ સંસ્થાઓ દ્વારા દેશ-રાજ્યમાં બનતા બહુચર્ચિત બનાવોનો વિરોધ કરવા તેમજ સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સૂત્રોચ્ચાર કરતાં હોય છે અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
જેથી ઘોંઘાટ થાય તેમજ સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આ કારણોસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજયામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાં અનુસાર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઈએ ઉપવાસ/ધરણા ઉપર બેસવું નહી. જાહેર સુલેહ-શાંતિ જોખમાય તેવા સુત્રોચ્ચાર કરવા નહી અને કોઈ પણ વ્યકિતએ લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે સરકારી કચેરીમાં પ્રવેશ કરવો નહીં.
કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો સાથે રાખવા નહીં. અને ચાર કે તેથી વધુ માણસોએ ભેગા થવું નહી કે સરકારી કચેરીમાં અતિક્રમણ કરવું નહી. સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરીસરમાં ગંદકી/કચરો કરવો નહી.
આ જાહેરનામું તા.૦૯/૦૯/૨૦૨પથી દિવસ-૬૦ સુધી અમલમાં રહેશે. અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ