જામનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાની મરામત સહિતની જરૂરિયાતના મુદાઓને લઈને કેટલાક સમયથી આંદોલન ચલાવવામાં આવી રહયું છે, ત્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખના જન્મદિવસે તંત્રને જગાડવાના ભાગરૂપે રસ્તાના ખાડાઓ સ્વખર્ચે બુરીને અનોખી રીતે જન્મ દિવસ ઉજવ્યો હતો. કોંગી કાર્યકરોની સાથે કેક કટીંગ કરવાની બદલે ખાડા બુર્યા હતા.
જામનગર શહેરમાં કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષ દ્વારા શહેરના રોડ રસ્તા, ટ્રાફિક સહિતના પ્રશ્ને લડત ચલાવવામાં આવી રહી છે, અને કોંગ્રેસ પાર્ટી દ્વારા મેયરની કચેરીના દ્વારે શંખનાદ, ઘટનાદ સહિતના કાર્યક્રમો આપીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હજુ સુધી તે બાબતે કોઈ પ્રતિસાદ મળ્યો ન હોવાથી આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા વધુ એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા કે જેઓનો આજે જન્મદિવસ છે, તેની ઉજવણી તેઓએ કોંગી કાર્યકરોની સાથે કરી હતી. પરંતુ જન્મ દિવસ ઉજવવાનો અનોખો જ અંદાજ હતો. અને સતાધારી પક્ષને વધુ એક વખત ઢંઢોળવા માટેનો પ્રયાસ કર્યો હતો. જામનગરના સાત રસ્તા સર્કલથી ગુરુદ્વારા સર્કલ વચ્ચેના માર્ગે કે જામનગર રાજકોટને જોડતો મુખ્ય માર્ગ છે, ત્યાં હાલ મોટા ખાડા પડેલા હોવાથી અનેક વાહનચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. અનેક એમ્બ્યુલન્સો પણ અહીંથી પસાર થાય છે.
આવી પરિસ્થિતિમાં કોંગી કાર્યકરો ટ્રેક્ટરમાં માટી મોરમ ભરીને આવ્યા હતા, અને જ્યાં જ્યાં ખાડા હોય, ત્યાં કોંગી પ્રમુખ દિગુભા જાડેજા તથા અન્ય કાર્યકરોએ માટી મોરમ પાથરી પાવડાથી રસ્તો સમથળ કરવાનો પ્રયત્ન કર્યો હતો, અને તંત્ર ની સામે વધુ એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt