અમરેલી, 10 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેતી મુખ્ય જીવન આધાર છે. અહીંના ખેડૂતો પરંપરાગત ખેતી સાથે સાથે આધુનિક સાધનોનો ઉપયોગ કરીને પાક ઉત્પાદન વધારવા અને ખર્ચ ઘટાડવા પ્રયત્નશીલ રહે છે. ખેતીમાં ટ્રેક્ટરનું સ્થાન વિશેષ છે, કારણ કે ખેતરની તૈયારીઓથી લઈને પાકની કાપણી સુધીની મોટાભાગની કામગીરી ટ્રેક્ટરથી સરળતાથી થઈ શકે છે. પરંતુ નાના અને મધ્યમ ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવું સહેલું નથી. આ મુશ્કેલીને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા ટ્રેક્ટર ખરીદી માટે સબસીડી યોજના અમલમાં મૂકી છે.
આ યોજનાથી અમરેલી જિલ્લાના ઘણા ખેડૂતોને સીધો લાભ મળ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામના ખેડૂતોએ તેનો ઉપયોગ કરીને પોતાની ખેતીમાં સારો એવો પરિવર્તન લાવ્યો છે.
હરેશભાઈની સફર: ભાડાના ટ્રેક્ટરથી માલિકી સુધી
ગામના ખેડૂત ખાત્રાણી હરેશભાઈ વિનુભાઈ, ઉંમર 40 વર્ષ, અભ્યાસ ધોરણ 10 સુધી, તેમના પાસે 11 વીઘા જમીન છે. ખેતી માટે ટ્રેક્ટર જરૂરી હોય છતાં હરેશભાઈ પાસે પોતાનું ટ્રેક્ટર નહોતું. દર વર્ષે તેમને ભાડે ટ્રેક્ટર મગાવવું પડતું, જેમાં અંદાજે 50,000 થી 70,000 રૂપિયા જેટલો મોટો ખર્ચ થતો હતો.
હરેશભાઈ કહે છે, “આટલો ખર્ચ ખેડૂત માટે મોટો બોજ બનતો હતો. ખેતીમાં આવક મર્યાદિત છે, અને જો ખર્ચ વધુ થઈ જાય તો ઘરખર્ચ તથા પાકની સુધારણા કરવી મુશ્કેલ બની જાય.”
જ્યારે સરકારશ્રીની ટ્રેક્ટર સબસીડી યોજનાની માહિતી મળી ત્યારે હરેશભાઈએ તરત જ અરજી કરી. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને રૂ. 1 લાખની સબસીડી મળી. આ સહાયના આધારે હરેશભાઈએ પોતાનું ટ્રેક્ટર ખરીદ્યું.
ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો
ટ્રેક્ટર ખરીદ્યા બાદ હરેશભાઈને ખેતીનો મોટો ખર્ચ બચ્યો. હવે તેમને ભાડે ટ્રેક્ટર લેવાની જરૂર નથી. પોતાના 11 વીઘા ખેતરમાં તેઓ સમયસર તમામ કામગીરી કરી લે છે. પાકની વાવણી, ખાતર છાંટણી અને કાપણી બધું જ સરળ બન્યું છે.
માત્ર એટલું જ નહીં, ખેતીની કામગીરી પૂરી થયા બાદ હરેશભાઈ પોતાનું ટ્રેક્ટર ગામના અન્ય ખેડૂતોને ભાડે આપે છે. આથી તેમને વધારાની આવક થાય છે. એટલે કે એક તરફ ખર્ચ ઘટ્યો છે અને બીજી તરફ નવો આવક સ્ત્રોત ઉભો થયો છે.
હરેશભાઈ સિવાય મેરીયાણા ગામમાં બીજા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળ્યો છે. ખાત્રાણી હિતેશભાઈ જણાવે છે કે ગામમાં અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોને ટ્રેક્ટર સબસીડી મળી છે. દરેક ખેડૂતને રૂ. 1 લાખ જેટલી સહાય મળી હોવાથી તેઓએ પોતપોતાનું ટ્રેક્ટર ખરીદી લીધું છે.
હિતેશભાઈ કહે છે, “આ યોજના નાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. પહેલા અમે બહારના ગામથી ટ્રેક્ટર મગાવતા. સમયસર ટ્રેક્ટર ન મળતા પાકની કામગીરી મોડું પડતું. હવે ગામમાં જ ખેડૂતો પાસે પોતાના ટ્રેક્ટર છે, જેનાથી સૌને સુવિધા મળે છે.”
યોજનાનો વ્યાપક ફાયદો આ સબસીડી યોજનાના અનેક ફાયદા ગામસ્તરે જોવા મળ્યા છે ખેડૂતોને ભાડે ટ્રેક્ટર લેવા પર થતા ખર્ચમાંથી બચત થાય છે. સમયસર કામ થાય છે.ટ્રેક્ટર ઉપલબ્ધ હોવાને કારણે પાકનું વાવેતર અને કાપણી સમયસર થઈ શકે છે.વધારાની આવક પોતાના ખેતરમાં કામ કર્યા બાદ ટ્રેક્ટર ભાડે આપીને ખેડૂત વધારાની આવક મેળવે છે. ગામસ્તરે સુવિધા હવે ગામના અંદર જ ખેડૂતોને ટ્રેક્ટરની સેવા મળે છે, બહારથી મગાવવાની જરૂર રહેતી નથી. ખેડૂતો પર આધારિત ન રહીને પોતે જ ખેતી કાર્યો કરવા સક્ષમ બન્યા છે.
ખેડૂત માટે આશીર્વાદરૂપ યોજના
ખેડૂતોના મતે આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. જેમની પાસે 8 થી 15 વીઘા જેટલી જમીન હોય છે તેઓ માટે ટ્રેક્ટર ખરીદવું મુશ્કેલ હતું, પરંતુ સરકારશ્રીની સહાયથી હવે તેઓ પોતાનું ટ્રેક્ટર મેળવી શક્યા છે. આ યોજના માત્ર વ્યક્તિગત લાભ પૂરતી નથી, પરંતુ સમગ્ર ગામના વિકાસમાં યોગદાન આપે છે. ગામમાં રોજગારીના નવા માર્ગો ઊભા થાય છે અને ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બને છે.
અમરેલી જિલ્લાના મેરીયાણા ગામના હરેશભાઈ અને અન્ય ખેડૂતોના ઉદાહરણો દર્શાવે છે કે સરકારશ્રીની ટ્રેક્ટર સબસીડી યોજના ખેડૂતો માટે જીવનમાં પરિવર્તન લાવનારી સાબિત થઈ રહી છે. ભાડાના ટ્રેક્ટર પર આધાર રાખતા ખેડૂત આજે પોતાના ટ્રેક્ટર ધરાવે છે અને ગામમાં બીજા માટે સેવા પૂરી પાડે છે. આ યોજનાથી ખેડૂતોએ ખેતીનો ખર્ચ ઘટાડ્યો, આવકમાં વધારો કર્યો અને સાથે સાથે ગામના અન્ય લોકોને પણ લાભ પહોંચાડ્યો. આવનારા સમયમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તો સમગ્ર જિલ્લામાં ખેતી વધુ મજબૂત અને પ્રગતિશીલ બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai