પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં 11 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત રીજિયનલ કોન્ફરન્સ (નોર્થ ગુજરાત) નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાથે સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય પદાધિકારીઓની હાજરી રહેશે.
આ રીજિયનલ કોન્ફરન્સમાં એક્સપોર્ટ ચેલેન્જીસ અને GI-TAG જેવી અગત્યની બાબતો પર માર્ગદર્શન અપાશે. જિલ્લામાં રોજગારી અને ઉદ્યોગક્ષેત્રે નવી તકો ઊભી થાય એ હેતુથી આ કાર્યક્રમમાં મોટા ઉદ્યોગગૃહો, MSME ઉદ્યોગકારો, ઔદ્યોગિક અને બિલ્ડિંગ એસોસિયેશન, સખીમંડળ, સહકારી મંડળીઓ અને FPO પ્રતિનિધિઓ જોડાશે. કુલ 37 MSME સ્ટોલ્સ તેમજ વિવિધ કચેરીઓ દ્વારા સ્ટાર્ટઅપ્સ, કુટીર ઉદ્યોગ ક્લસ્ટર્સ અને EDI જેવી યોજનાઓના પ્રોડક્ટ્સનું પ્રદર્શન પણ કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાને મહત્તમ લાભ મળે અને સ્થાનિક ઉદ્યોગોને નવો વેગ મળે તે માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ છે. તેમણે જિલ્લા સેવા સદનમાં યોજાયેલી તૈયારી બેઠકમાં યોગ્ય આયોજન અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ