આદિ સંસ્કૃતિ પોર્ટલ પહેલનું નવી દિલ્હીથી લોન્ચિંગ: વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટીનો શુભારંભ
પ્રથમ તબક્કામાં, ગુજરાત સહિત ૧૫ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ ૪૫ અભ્યાસક્રમો પોર્ટલ પર કાર્યરત ગાંધીનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.): ‘આદિ સંસ્કૃતિ પોર્ટલ’ (Beta Version) પહેલનું લોન્ચિંગ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્
આદિ સંસ્કૃતિ પોર્ટલ પહેલનું નવી દિલ્હીથી લોન્ચિંગ


પ્રથમ તબક્કામાં, ગુજરાત સહિત ૧૫ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ ૪૫ અભ્યાસક્રમો પોર્ટલ પર કાર્યરત

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.): ‘આદિ સંસ્કૃતિ પોર્ટલ’ (Beta Version) પહેલનું લોન્ચિંગ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી દુર્ગાદાસ ઉઈકેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા એક નવીન પહેલ તરીકે ‘આદિ સંસ્કૃતિ પોર્ટલ’ (Beta Version)ને લોન્ચ કરવામાં આવ્યું છે, જેના પરિણામે દેશમાં વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટી નિર્માણ પામી છે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય એક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દેશના આદિવાસી કલા સ્વરૂપોને શીખવા, શીખવવા અને પ્રોત્સાહન આપવા માટે ઇ-એકેડેમી તરીકેનો છે. તદુપરાંત આ પોર્ટલ થકી દેશના આદિવાસી સમુદાયોના સમૃદ્ધ સામાજિક-સાંસ્કૃતિક વારસાના દસ્તાવેજીકરણ-પ્રદર્શન માટે ડિજિટલ રિપોઝીટરી તરીકેની સેવા પણ આપવામાં આવશે.

આદિ સંસ્કૃતિ પોર્ટલમાં મુખ્ય ત્રણ એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ એકમ તરીકે ‘આદિ વિશ્વવિદ્યાલય’ એક વર્ચ્યુઅલ યુનિવર્સિટી છે. જે સમગ્ર દેશની આદિજાતિઓના પંરપરાગત નૃત્યો, સંગીત વાદ્ય-વાજીંત્રો, ચિત્રકલા, હસ્તકલા, રાંધણકળા, કાપડ વણાટ અને પહેરવેશ, આભૂષણો વગેરે મળીને કુલ ૧૦૦ કલા સ્વરૂપોમાં ઇ-લર્નિંગ પ્રદાન કરશે. હાલ પ્રથમ તબક્કામાં ગુજરાત સહિત ૧૫ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ ૪૫ અભ્યાસક્રમો પોર્ટલ પર મુકવામાં આવ્યા છે. જ્યારે બીજા તબક્કામાં બાકીના ૨૦ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૫ અભ્યાસક્રમોની કામગીરી પૂર્ણ થવામાં છે.

આ તમામ અભ્યાસક્રમો માસ્ટર કલાકારો દ્વારા સંચાલિત ઇન્ટરેક્ટિવ અભ્યાસક્રમો છે. પ્રથમ તબક્કાના આ ૪૫ અભ્યાસક્રમો પૈકી TRI, Gujarat તરફથી ગુજરાતની આદિજાતિઓના રાઠવા ડાન્સ (રાઠવા આદિજાતિ), પિઠોરા ચિત્રકલા (રાઠવા આદિજાતિ) અને બામ્બુ હસ્તકલા (કોટવાળીયા આદિમજૂથ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

બીજા એકમ તરીકે ‘આદિ સંપદા’ એ પાંચ હજાર આદિવાસી કલા સ્વરૂપો અને લુપ્ત થતી ભાષા-બોલીઓનું દસ્તાવેજીકરણ કરતું ડિજિટલ ભંડાર છે, જેમાં ગુજરાત રાજ્યની આદિજાતિ સંસ્કૃતિ, વિરાસત, સંપદા સંબંધિત વિવિધ ૧૦૦ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્રીજા એકમ તરીકે ‘આદિ હાટ’ એક સમર્પિત ઇ-કોમર્સ માર્કેટપ્લેસ છે, જે આદિવાસી સમુદાયો માટે વેપારની તકોને સુનિશ્ચિત કરે છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દુર્ગાદાસ ઉઈકેએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આદિ સંસ્કૃતિ એ માનવ સભ્યતાની આધારશીલા છે. આદિજાતિઓની સંસ્કૃતિ, જ્ઞાન, સંપદા, કલા, ખાનપાન, રહેણીકરણી, જીવનશૈલી, પંરપરાગત નૃત્યો, સંગીત વાદ્ય-વાજીંત્રો, ચિત્રકલા, હસ્તકલા, રાંધણકળા, કાપડ વણાટ અને પહેરવેશ, આભુષણો વગેરે બાબતો આદિ સંસ્કૃતિ પોર્ટલ પર એકીકૃત કરવામાં આવ્યા છે.

આદિજાતિઓની સાંસ્કૃતિક વિરાસત, જ્ઞાન સંપદા વગેરે અમૂલ્ય પાસાંઓ લૂપ્ત થવાને આરે હતા, તે દિશામાં ખાસ સમગ્ર દેશની આદિજાતિઓ સંદર્ભે વિચારાયું નહોતું, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રઢ મનોબળ, દૂરંદેશીતા અને સંવેદનશીલતાને કારણે સમગ્ર દેશ અને માનવ સભ્યતાની આધારશીલા સમાન આદિ સંસ્કૃતિના અમૂલ્ય વારસાનું પુનઃજાગરણ થવા જઈ રહ્યું છે તે ક્ષણોના સાક્ષી બનવા માટે અહીં ઉપસ્થિત આપણે સૌ ભાગ્યશાળી છીએ, તેમ તેમણે જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તા. ૦૧, સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આદિ વાણી એપ (Beta Version) લોન્ચ કરીને પ્રથમ તબક્કામાં દેશની ૪ આદિવાસી ભાષા (ભીલી, ગોંડી, સાંથાલી અને મુંડારી)ને સ્થાન આપવામાં આવ્યું છે. આ ભાષાઓ આદિ વાણીએપ દ્વારા અંગ્રેજી અને હિન્દી ભાષામાં અનુવાદ થઈ શકશે, જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. તેઓએ આ પહેલને તૈયાર કરવા માટે આદિજાતિ બાબતોના મંત્રાલયના અધિકારીશ્રીઓ, TRIs અને સંબંધિત સંસ્થાઓના તજજ્ઞશ્રીઓના અમૂલ્ય યોગદાનની સરાહના કરીને સૌને અભિનંદન પાઠવ્યા હતા.

દેશની આદિજાતિઓના જીવન અને સંસ્કૃતિ સંબંધિત અમૂલ્ય પાસાંઓનુ દસ્તાવેજીકરણ, શૈક્ષણિક સંસાધનો તથા ઈ-કોમર્સની તકોને એકીકૃત કરવાનો આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ છે. જે અંતર્ગત આદિવાસી કલા, જ્ઞાન પ્રણાલીઓ અને આજીવિકા પ્રદર્શિત કરવા માટે એક અનન્ય ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આદિ સંસ્કૃતિ પોર્ટલ થકી દેશના આદિવાસી વારસાને સાચવવા, પ્રોત્સાહન આપવા અને સશક્તિકરણ કરવા માટેના સર્વાંગી તથા ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.

આદિ સંસ્કૃતિ પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમ પ્રસંગે આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ વિભુ નાયર, સંયુક્ત સચિવ અનંતપ્રકાશ પાંડે, નિયામક દિપાલી માસેકર તેમજ આદિજાતિ વિકાસની કચેરી, ગુજરાતના નિયામક આશિશ કુમાર, કાર્યપાલક નિયામક અને સંશોધન અધિકારીઓ, TRI, Gujarat (ઓનલાઈન મોડ) તથા તમામ રાજ્યોના આદિજાતિ વિકાસ વિભાગના સચિવઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમ કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયની યાદીમાં જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande