જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે જિલ્લા પંચાયત દ્વારા તાત્કાલીક ધોરણે કામો અટકાવી દેવામાં આવ્યા છે અને તપાસ માટે સમિતની રચના કરવામાં આવી છે, સમિતી દ્વારા ધ્રોલ તાલુકાના વિવિધ ગામોમાં સ્થળ પર જઇને તપાસ હાથ ધરી છે.
ભ્રષ્ટાચારના આક્ષેપોની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને જીલ્લા પંચાયતના સદસ્ય લગધીરસિંહ જાડેજા, અશોકભાઇ ચોવટીયા, હસમુખભાઇ કણઝારીયા અને જે.પી. મારવીયા તપાસ સમિતીના ભાગરૂપે ધ્રોલ તાલુકાના રાજપરા, ખેંગારકા અને ડાંગરા ગામની મુલાકાત લીધી હતી, સભ્યો સાથે સ્થાનીક ગ્રામજનો પણ જોડાયા હતા.
સમિતીએ યોજના હેઠળ થયેલા કામોની ગુણવતા અને તેમા થયેલી ગેરરીતીઓ અંગે જીણવટપુર્વક તપાસ કરી હતી આક્ષેપો બાદ જિલ્લા પંચાયતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાલતા તમામ કામો હાલ પુરતા બંધ કર્યા છે.
જિલ્લા પંચાયતના સદસ્ય લગધીરસિંહ જાડેજાએ જણાવ્યુ કે જામનગર જીલ્લા પંચાયત દ્વારા સુજલામ સુફલામ યોજના પાંચ કરોડ જેવા વિકાસના કામો જેમ કે ખેડુતો માટે, ચેકડેમો ઉંડા ઉતારવા માટીકામ તેમજ અમુક સિમેન્ટનું કામ ૧૦ ટકા જેવું મંજુર કરવામાં આવેલ ત્યાર બાદ અમને જાણવા મળેલ કે આ કામો ખરેખર જયાં જરૂર છે ત્યાં નથી કરવાના અને જયાં જરૂર નથી ત્યાં કર્યા છે એટલે અમે આ કામો જનરલ બોર્ડની અંદર રદ કર્યા છે. રદ કર્યા બાદ સમિતી બની અને સમિતીમાં તપાસ કરવામાં આવી જયારે પહેલુ ગામ ખેંગારકા, ડાંગરા અને ત્યારબાદ રાજપરા જઇને તપાસ હાથ ધરી હતી.
જેમાં ખેંગારકામાં ૨૭૦૦ ઘનમીટર માટીકામ મંજુર કરેલુ તેની સામે તેઓએ માત્ર ૫૦૦ ઘન મીટરનું જ કામ કર્યુ છે એવુ બતાવીહ હકીકત છુપાવી હતી. હકીકતમાં માત્ર ૧૦૦ ઘનમીટરનું કામ થયુ હતું, જયારે ડાંગરામાં ૩૨૦૦ ઘન મીટર માટીકામ મંજુર થયુ હતું જેની સામે ૧૩૦૦ જેવુ માટીકામ કરેલ છે તેવુ દેખાડયુ હતું પરંતુ હકીકતમાં ૪૦૦ ઘનમીટર કામ થયુ ન હતું.
તપાસ સમિતી દ્વારા આગળ વધુ તપાસ હાથ ધરી વિવિધ ગામોની મુલાકાત લઇ સુજલામ સુફલામ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે તે બાબતે ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવશે તેવું જિલ્લા પંચાયતના તેમજ તપાસ સમિતીના સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt