ગીર સોમનાથ 11 સપ્ટેમ્બર (હિ.સ.) શરીરમાં વધુ પડતી ચરબી એ શારીરિક સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. શરીરમાં વધુ પડતી ચરબીનો ભરાવો થવો એટલે કે મેદસ્વિતા. જે આબાલવૃદ્ધ સૌને અસર કરે છે. આધુનિક ઢબની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાં વ્યાયામ અને સમતોલ આહાર ખૂબ જ જરૂરી છે.
સરકાર દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે લોકોને મેદસ્વિતાથી થતાં નુકસાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી ખાતે વૈદ્ય તરીકે ફરજ બજાવતા ડૉ.વિજયસિંહ ગોહિલે આયુર્વેદશાસ્ત્રમાં મેદસ્વિતા સામે લડવાના ઉપાયો અંગે વિસ્તૃતમાં જણાવ્યું હતું.
વૈદ્ય ડૉ.વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દેવળી ખાતેના સરકારી દવાખાનામાં અલગ-અલગ પ્રકારના દર્દીઓ સારવાર લેવા આવે છે. જેમાં મેદસ્વિતાના દર્દીઓ પણ જોવા મળે છે. જંકફૂડ અને બહારનું ખાવાની આદત તેમજ અનિયિત જીવનશૈલીના કારણે મેદસ્વિતાના દર્દીઓ વધતાં જોવા મળે છે. દેવળીમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો મળી અને મેદસ્વિતાના વાર્ષિક ૧૫૦-૨૦૦ દર્દીઓ આયુર્વેદની સેવા લેવા આવે છે. જેનું તેમને ઉત્તમ પરિણામ પણ મળ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, ચરકસંહિતામાં પણ મેદસ્વિતાનો ઉલ્લેખ છે. શાસ્ત્રોમાં આ રોગને નિંદાપાત્ર ગણવામાં આવ્યો છે. મેદસ્વિતા હદ બહાર જાય તો તે કષ્ટસાધ્ય છે. એટલે કે તેને અટકાવવો મુશ્કેલ થાય છે. આયુર્વેદના કારણો અનુસાર વધુ મધુર ખોરાક, વ્યાયામનો સંપૂર્ણ અભાવ અને અનિયમિત જીવનશૈલીના કારણે શરીરમાં કફ અને મેદ જમા થાય છે. જેના કારણે મેદસ્વિતા ઉદ્ભવે છે.
મેદસ્વિતાના નિવારણ અંગે આયુર્વેદિક દ્રષ્ટિએ તેમણે જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીર માટે દિનચર્યા અને ઋતુચર્યા મહત્વનો ભાગ ભજવે છે. વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર ઋતુઓ અનુસાર ઋતુચર્યા અને દિનચર્યાનું પાલન કરવું જોઈએ.
આયુર્વૈદિક દ્રષ્ટિએ લંઘન ચિકિત્સા એટલે કે ઉપવાસ કરવા, ઉકાળેલું પાણી ઠંડુ કરી અને તેમાં મધ નાખીને પીવાથી મેદસ્વિતાનું પ્રમાણ ઘટી શકે છે. આયુર્વેદિક સંગ્રહગ્રંથ ભાવપ્રકાશમાં મેદસ્વિતાનો એક અધ્યાય છે. જેમાં તેની સંપૂર્ણ સારવારનો ઉલ્લેખ કરાયો છે.
આ જ રીતે વિદંગાદી ચૂર્ણનો ઉપયોગ, લોહભસ્મ અને સૂંઠી જેવી ઔષધિઓનું મિશ્ર પીવાથી તેમજ વિવિધ આયુર્વૈદિક ઔષધિઓનો ઉકાળો કરી અને તેમાં મધ નાખીને પીવાથી છાતિ-પેટ સહિતની જગ્યાઓએ ચરબીનો ઘેરાવો અટકે છે. આમ વૈદ્યજીએ કસરતનો અભાવ, મીઠું ખાવાની ટેવ અને અનિયમિત જીવનશૈલીમાં બદલાવ કરી અને આયુર્વૈદની દ્રષ્ટિએ ઉપાયો વિસ્તૃતમાં જણાવ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ