ગીર સોમનાથ 11 સપ્ટેમ્બર (હિ.સ.) ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરીને જે તે જણશીના વાવેતરની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે.
જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખરીફ-૨૦૨૫ માટે ખેડૂતો દ્વારા નોંધણીમાં દર્શાવવામાં આવેલા સર્વે નંબરમાં મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
સેટેલાઇટ સર્વે દ્વારા જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે, તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે. જેથી હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી, શ્રીનાજી સોસાયટી,હોન્ડાના શો રૂમની પાછળ, વેરાવળ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
આ ઉપરાંત જિલ્લાના ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેવા જ સર્વે નંબરની ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા અને મગફળી વાવેતરનો જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇ પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવા અનુરોધ કરવામાં આવે છે. ઉપરાંત કોઈ મુશ્કેલી પડે તો કચેરીના ટેલિફોન નંબર ૦૨૮૭૬૨૪૦૭૦૦ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ