ગીર સોમનાથ 11 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્યના પ્રાકૃતિક કૃષિ બોર્ડ અંતર્ગત રાજયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટેના બહોળા પ્રયાસોના ભાગ દરેક જિલ્લામાં ૩ ગામોના ક્લસ્ટર બનાવી તે ક્લસ્ટરમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ દોરાય અને મનુષ્ય,પર્યાવરણ તથા જમીનનું સ્વાસ્થ્ય સુધરે તે અંગેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે.
જે અંતર્ગત આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર પુષ્પકાંત સુવર્ણકાર દ્વારા ગીર ગઢડા તથા સુત્રાપાડા મુકામે પ્રાકૃતિક કૃષિ કરવા ઇચ્છુક ખેડૂતોની તાલીમ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.
આ સેમિનારમાં પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ ખેડૂતોને મોડલ ફાર્મની મુલાકાત કરાવી તથા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો કેવી રીતે બનાવવા તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું.તેમજ આવનારી પેઢીને શુધ્ધ વાતાવરણ તેમજ ફળદ્રુપ જમીન કેવી રીતે આપી શકાય તે માટે ખેડૂતો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં દર ત્રણ ગ્રામ પંચાયત દીઠ એક એમ કુલ ૧૧૫ ક્લસ્ટર બનાવવામાં આવ્યાં છે. આ તમામ ક્લસ્ટરમાં એક કૃષિ સખી તથા સખાની નિમણૂક પણ કરવામાં આવી છે. જેથી વધુમાં વધુ ખેડૂતો આ સખા/સખીઓનો સંપર્ક કરી તેમના પ્રાકૃતિક કૃષિ કરવા અંગેના વિલિંગનેસ ફોર્મ ભરી પ્રાકૃતિક કૃષિ કરતાં થાય તે માટે આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી.
0
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ