પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ એસઓજી પોલીસ દ્વારા રોહિત નગર વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો આશિષ પરમાર (ઉ.વ. 26) પકડાયો છે. આશિષ ભારત ગેસ એજન્સીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. પોલીસે પિતાંબર તળાવ નજીકની એક ખુલ્લી જગ્યા પરથી આરોપીને લોખંડની ભૂંગળીથી કોઈપણ સેફ્ટી સાધનો વિના ગેસ રિફિલિંગ કરતા રંગે હાથ ઝડપી લીધો.
પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 21 ગેસ સિલિન્ડરોની કિંમત રૂ. 42,000 અને લોડિંગ રિક્ષાની કિંમત અંદાજે રૂ. 1 લાખ હોવાનું જણાવાયું છે. રિક્ષામાં 12 અને જમીન પર 9 ગેસ સિલિન્ડર મળ્યા હતા. આરોપી પાસે રિફિલિંગ માટે કોઈ લાયસન્સ કે પરવાનો ન હોવાથી તેની સામે બીએનએસ કલમ 316(3), 287/288 અને જરૂરી ચીજવસ્તુ અધિનિયમની કલમ 6/7/8 હેઠળ ગુનો નોંધાયો છે.
કેસની તપાસ પાટણ એસઓજીના પીઆઈ જે.જી. સોલંકી કરી રહ્યા છે. ઘટનાની જાણ તોલમાપ અધિકારીને કરાતાં તેમણે સ્થળ પર આવી સિલિન્ડરોનું વજન તપાસ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બધા સિલિન્ડરોમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ