જૂનાગઢ 11 સપ્ટેમ્બર (હિ.સ.) તાજેતરમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે બહાઉદીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શનલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના કૉલેજ નોડલ ઓફિસર તેમજ મનોવિજ્ઞાન વિભાગના ડૉ. જાગૃતિ વ્યાસ દ્વારા આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.ભરત જોશીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમણે પોતાની આગવી શૈલીમાં આત્મહત્યા નિવારણ માટે આપણે શું કરી શકીએ તેના વિષે સમજાવ્યું હતું. આજકાલ વિદ્યાર્થીઓમાં વધતી આત્મહત્યા વૃત્તિ બાબતે તેમણે અનેક ઉદાહરણો આપી એવી વ્યક્તિઓને ઓળખીને એમને સંવેદનાથી સાંભળવાની વાત કરી. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આત્મહત્યા એ અંતિમ રસ્તો નથી, જીવનમાં હંમેશા કોઈક નવો દરવાજો ખુલ્લો રહે છે અને આવા પ્રેરણાદાયી ઉદ્બોદદ્ધન દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ કોલેજના અન્ય અધ્યાપકો ડૉ.દીપિકા કેવલાણી, ડૉ.કાજલ નકુમ અને શ્રી ડૉ.દિના લોટીયાએ આ બાબતે પ્રેરક વક્તવ્ય આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ.જે.આર.વાંઝાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. અધ્યક્ષ અને આચાર્યએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોની આજના સમયમાં ખુબ જરૂર છે. તેનું મુખ્ય કારણ માત્ર આધુનિકતા જ નહીં પરંતુ લોકોમાં વધુ પડતી મહત્વાકાંક્ષા અને અતિશય અપેક્ષાઓ પણ જવાબદાર છે. અંતમાં ડૉ.ચંદ્રકાંત વણકરે આભારવિધિ કરી હતી. તેમ સંસ્થાના આચાર્ય, બહાઉદીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ