પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે સરસ્વતિ તાલુકાના સરીયદ ગામના તલાજી લક્ષ્મણજી ઠાકોર (ઉ.વ. 57)ને મહત્વનો ચુકાદો આપતાં 7 વર્ષની સખત કેદ અને રૂ. 25,000 નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો તેને વધુ બે માસની કેદ ભોગવવી પડશે. આ ચુકાદો એનડીપીએસ એક્ટની કલમ 8(બી)/20(એ)(1) હેઠળ અપાયો છે.
આ કેસમાં પાટણ એસઓજી પોલીસે 17 સપ્ટેમ્બર 2022ના રોજ સરીયદની છત્રાલા સીમમાં રેડ કરી હતી, જ્યાં આરોપીના ખેતરમાંથી 6 કિલો 890 ગ્રામ વજનના ગાંજાના 57 છોડ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ જથ્થાની બજાર કિંમત રૂ. 68,900 જેટલી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ ગાંજાનું વાવેતર વેચાણના હેતુથી કર્યું હતું, જેને કાયદાકીય રીતે ઉત્પાદન માનવામાં આવે છે.
ચુકાદા દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઇને સજા ફરજિયાત છે. કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે યુવાનોમાં વધી રહેલા માદક પદાર્થના સેવન અંગે ચિંતા ઉઠી રહી છે અને તેનું નુકસાન માત્ર વ્યક્તિગત સ્તર પર નહીં, પરંતુ સમગ્ર સમાજ અને દેશના અર્થતંત્ર પર પણ થાય છે. સરકારી વકીલ તરીકે જનકભાઈ ડી. ઠક્કરે કેસની મજબૂત રીતે રજૂઆત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ