પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.): તારીખ ૭ જુલાઈ ૨૦૨૫ના રોજ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે આવેલ વિમલ ડેરીના ડ્રાઈવર સેંધાજી ઠાકોર (ઉ.વ. ૨૨, જીલીયા ગામ) બેંકમાં ૧,૫૭,૦૦૦ રૂપિયા ભરવા જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમની ગાડીના ટાયરમાં પંક્ચર હોવાનું કહી તેમને ઊતાર્યા હતા. ડ્રાઈવર ટાયર તપાસવામાં વ્યસ્ત હતો, તે દરમિયાન ત્રણે આરોપીઓએ ગાડીમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી કરી લીધી હતી.
પોલીસે તપાસ દરમિયાન ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ વિસ્તારથી ત્રણ શખ્સ — શનિ રામુ હીરામન ગાયકવાડ (૩૫), સુરૈયા આર. મોગનરામ ગાયકવાડ (૨૩), અને ચંદુ રામલાલસિંહ લક્ષ્મણ ગાયકવાડ (૪૦) — ની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના રહેવાસી છે.
આ ત્રણેયે જામીન માટે પાટણની સેશન કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સરકારી વકીલ જે.ડી. ઠક્કરે રજૂઆત કરી કે આરોપીઓ અગાઉ પણ કડી, વિરમગામ અને રાધનપુરમાં ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે. જજ એમ.એ. શેખે ગુનાની ગંભીરતા અને આરોપીઓના ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈને તેમની જામીન અરજી નામંજૂર કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ