મોડાસા, 12 સપ્ટેમ્બર (હિ.સ.)હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 1986 માં ખૂબ જ ઓછી કોલેજો અને સુવિધાઓથી થઈ હતી. જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ગ્રાન્ટ ઇન એઇડ, સરકારી અને પ્રાઇવેટ 850 થી પણ વધારે કોલેજો હાલમાં ચાલી રહી છે. જેનાથી યુનિ.માં વહીવટી અનેક મુશ્કેલીઓ અનુભવાય છે. જેનાથી પરીક્ષાનાં પરિણામોમાં વિલંબ થાય છે. જેની સીધી અસર વિધાર્થીના આગળના અભ્યાસ પર પડે છે. વિધાર્થીના સંશોધન કાર્ય પર પણ આની માંથી અસર પડે છે. કેમ કે સાબરકાંઠા - અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગામેથી યુનિ.માં આવવા - જવા માટે બંને તરફથી 400 કિ.મી.થી વધારે લાંબી મુસાફરી કરવી પડે છે. પ્રવર્તમાન સરકારશ્રીએ New Education Policy -2020 લાગુ કરી વિધાર્થી માટે એક સાથે ઘણાબધા અભ્યાસક્રમો થકી તેની કારકિર્દી ઉજવળ બને તે અંગે વિવિધ દિશાઓ ખુલ્લી કરી દીધી છે. ગુજરાતના મુખ્યમંત્રી માન.શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ગુજરાત રાજ્યના દરેક ફિલ્ડમાં વિકાસ માટે અનેક પ્રયાસો આદરી રહ્યા છે. જે પ્રસંશનીય બાબત છે. જેમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ હકારાત્મક અભિગમ દાખવી રહ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની કુલ 274 જેટલી કોલેજો છે. જેમાં આશરે 67000 થી વધુ વિધાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરી રહ્યાં છે. જેને ધ્યાને લઈ આર્ટ્સ કોલેજ, શામળાજીના પ્રિન્સિપાલ ડૉ. અજયભાઈ કે. પટેલે છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા - અરવલ્લી જિલ્લાની નવી યુનિવર્સિટીની સ્થાપના અંગેની કાર્યવાહી બંને જિલ્લાના સંચાલકો અને આચાર્યશ્રીઓના સંકલનકર્તા તરીકે ઉપાડી હતી. જેને પગલે તા 9/9/2025 ના રોજ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂ સંચાલક મંડળના અને આચાર્ય મંડળના પ્રતિનિધિઓ સાથે મળી આવેદનપત્ર આપી બંને જિલ્લાની નવી યુનિ. આપવા અંગે, સદર માગણીના વિવિધ કારણો આપી, રજૂઆત કરી હતી. જેમાં માન. રમણલાલ વોરા ( પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય), જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, શામળાજીથી દિલીપભાઈ કટારા, વડાલીથી તખતસિંહ હડિયોલ, મોડાસાથી સુભાષભાઈ શાહ અને મહેન્દ્રભાઈ શાહ, ખેડબ્રહ્માથી જશુભાઈ પટેલ ઉપરાંત તમામ ટ્રસ્ટીઓ અને વિવિધ કોલેજૉના આચાર્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. માન. મુખ્યમંત્રીશ્રી એ નવી યુનિવર્સિટીની માંગણીના કારણો સાંભળી હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. આ તબક્કે રજૂઆત કરનાર સંકલનકર્તા ટીમ અને બંને જિલ્લાના કેળવણીકારો, અધ્યાપકો, બુદ્ધિજીવીઓ, વિધાર્થીઓ અને સમગ્ર પ્રજાજનો વહેલામાં વહેલી તકે નવી યુનિવર્સિટી અંગેની સરકારશ્રી સત્તાવાર જાહેરાત કરે તેમ ઈચ્છી રહ્યાં છે. જે સ્વપ્ન પ્રગતિશીલ સરકાર દ્વારા અવશ્ય સાકાર થશે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ