મોડાસા, 12 સપ્ટેમ્બર (હિ.સ.)ડૉ. આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કોલેજ, ઊંઝા ખાતે નેશનલ ટાસ્ક ફોર્સ સમિતિ (NTF) અને જ્ઞાનધારાના ઉપક્રમે તા. ૧૦-૯-૨૦૨૫ ના રોજ આચાર્યશ્રી ડૉ. જગદીશ એચ. પ્રજાપતિના માર્ગદર્શનમાં એનટીએફ નોડલ અધિકારી પ્રા. રાકેશ એસ. મિશ્રાએ આત્મહત્યા નિવારણ દિવસની ઊજવણી ભાગ રૂપે માનસિક સ્વાસ્થ્ય અને સ્યુસાઇડ અટકાવ જાગૃતિ સેમિનારનું સુંદર આયોજન કર્યુ હતું. NSS ની બહેનોએ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. પ્રા. ડૉ. રૂબી પટેલે કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી જણાવ્યું કે જાન હૈ તો જહાન હૈ એટલે જ મહામૂલી જિંદગીને જિંદાદિલીથી જીવી આશાવાદી બનવું જોઈએ.
આચાર્ય ડૉ. જગદીશ એચ. પ્રજાપતિએ વકતાશ્રીનું શાલથી સન્માન અને પરિચય કરાવી જણાવ્યું લખચોરાસી જન્મ બાદ ભગવાને આપેલ જીવન અણમોલ છે, વેડફી ન દેવું જોઇએ, આત્મહત્યાએ અંતિમ વિકલ્પ નથી. તેઓએ જણાવ્યું કે કૉલેજમાં હેલ્પલાઇન કેન્દ્ર શરૂ કરવામાં આવશે જેમાં એક પ્રાધ્યાપકશ્રી કાઉન્સેલર તરીકે કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓમાંથી એક ભાઈ અને એક બહેનની વિદ્યાર્થી મિત્ર તરીકે નિમણૂંક કરવામાં આવશે. ઉપરાંત વર્ષમાં બે વખત માનસિક સ્વાસ્થ્ય વિશે તાલીમ આપવામાં આવશે.
કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રોફે. ડૉ. એ. એલ. સુતરીયા (સાર્વજનિક આર્ટ્સ કૉલેજ, મહેસાણા) એ મેન્ટલ હેલ્થ અને આત્મહત્યા અને તેના નિવારણના ઉપાયો, હતાશા- માનસિક તણાવને દૂર રાખવો, આત્મહત્યાથી કેવી રીતે બચવું વગેરે વિશે મનોવજ્ઞાનિક રીતે અસરકારક માહિતી આપી જણાવ્યું કે કોઈની સમયસરની મદદ - માર્ગદર્શનથી આત્મહત્યા કરવા ઈચ્છતા વ્યક્તિના જીવનમાં આશાનો સંચાર કરી શકાય છે. મુશ્કેલીઓ વખતે સ્નેહીજનો, મિત્રો, શિક્ષકો, માતાપિતા, કાઉન્સિલિંગ કેંદ્રનો સહકાર લઈ હકારાત્મક જીવન અભિગમ અપનાવી પરિસ્થિતીને સ્વીકારવા અને સામનો કરવા આહ્વાન કર્યુ હતું.
એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા કે કે ગાગલિયાએ વિદ્યાર્થીઓ આત્મહત્યા ન કરે તે માટે સંકલ્પ લેવડાવ્યા હતા. માનસિક સ્વાસ્થ્યની કસોટી લેવામાં આવી હતી. કાર્યક્રમની આભારવિધિ ડૉ. ચિત્રા શુકલા દ્વારા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ