પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ તાજેતરમાં 11 મહિનાના કરાર આધારિત કેટલીક નવી જગ્યાઓ માટે ભરતી કરી છે. આ જગ્યા યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર ભરીવામાં આવી છે. અગાઉ જે પદો ક્લાર્ક તરીકે ઓળખાતા હતા, તેમાં હવે એડમિન ટેકની ચાર જગ્યાઓ ભરી છે અને કોમ્પ્યુટર કુશળ ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે.
યુનિવર્સિટીમાં પ્રથમવાર રિસર્ચ ફેસિલિટેટરની નિમણૂક પણ કરવામાં આવી છે. આ પદ માટે ડૉ. ઘોસની પસંદગી કરવામાં આવી છે. તેઓ પીએચડી થીસિસનું પ્લેગરિઝમ ચેક કરવું, રિસર્ચ પેપર તૈયાર કરવું, પેટન્ટ ફાઈલ કરવી, અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અને માલવીયા મિશન સંબંધિત કામગીરી સંભાળશે.
સાથે સાથે, યુનિવર્સિટીએ એક આઈટી ઓફિસર તથા સીસીટીવી ઓપરેટર પણ નિમણૂક કર્યો છે. આઈટી ઓફિસર યુનિવર્સિટીના ERP પ્રોજેક્ટ અને અન્ય ટેકનિકલ કામગીરી સંભાળશે, જ્યારે સીસીટીવી ઓપરેટર સર્વેલન્સની જવાબદારી સંભાળશે. આ નવી ભરતીથી યુનિવર્સિટીની વહીવટી કામગીરી વધુ અસરકારક અને સુવ્યવસ્થિત બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ