નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સીપી
રાધાકૃષ્ણન આજે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે 10 વાગ્યે
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં તેમને શપથ લેવડાવશે. રાધાકૃષ્ણન મંગળવારે
યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં, વિપક્ષી ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને હરાવીને
જીત્યા હતા. 21 જુલાઈના રોજ
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઈ હતી.
રાધાકૃષ્ણન મંગળવારે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. રાજ્યસભાના
મહાસચિવ અને ચૂંટણી અધિકારી પીસી મોદીએ, પરિણામોની જાહેરાત કરતા કહ્યું કે,” 781 સાંસદોમાંથી 767 લોકોએ મતદાન
કર્યું, જેમાં 98.2 ટકા મતદાન થયું.”
એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણનને 452 મત મળ્યા, જ્યારે વિપક્ષી
ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. પરિણામોની જાહેરાત પછી, વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ સીપી રાધાકૃષ્ણનને અભિનંદન આપ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે.”
નવનિયુક્ત ઉપરાષ્ટ્રપતિ ભારતના બંધારણીય મૂલ્યોને વધુ મજબૂત બનાવશે અને સંસદીય
સંવાદમાં સકારાત્મક યોગદાન આપશે.”
ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી, રાધાકૃષ્ણને
મહારાષ્ટ્રના રાજ્યપાલનું પદ છોડી દીધું. રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય
દેવવ્રતને, તેમની પોતાની ફરજો ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલની જવાબદારી સોંપી છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ