પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલ 9 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ માટે મંજૂરી આપી છે અને સમગ્ર પ્રક્રિયા માટે રૂ.64 લાખથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં આ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
યુનિવર્સિટીમાં નવા ભાષાભવન માટે 4 કાયમી આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જેના માટે રૂ.34 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ભાષાભવન શરૂ કરવાની માગણી ચાલી રહી હતી, જેને રાજ્ય સરકારે બે વર્ષ પહેલા મંજૂરી આપી હતી.
અન્ય વિભાગોમાં પણ કાયમી પ્રોફેસરોની ઘટ દૂર કરવા માટે નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં ગણિત વિભાગમાં 1, એમ.બી.એ. વિભાગમાં 2 અને રસાયણશાસ્ત્ર વિભાગમાં 2 આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા ભરાશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ