પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના ગોળશેરી વિસ્તારમાં નૂતન સ્કૂલ પાસે આવેલા ખેતરપાળના પાડામાં 28-29 ઓગસ્ટની રાત્રે ચોરીની ઘટના બની હતી. અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આ મકાન ધનીશ જીતેન્દ્રભાઈ શાહ (ઉમર 48)નું છે, જે હાલમાં મુંબઈમાં રહે છે.
મકાનના સામે આવેલી દુકાનના ભાડુઆત નિકુંજ મોદીએ તાળું તૂટેલું જોઈ તરત જ ધનીશભાઈને જાણ કરી હતી. તેમણે મકાનની અંદર જઈ તપાસ કરતાં જૂની તિજોરી કપાયેલી હાલતમાં મળી હતી, જે ધનીશભાઈના દાદાના સમયની હતી.
આ બનાવની જાણ થતા ધનીશભાઈ 11 સપ્ટેમ્બરના રોજ મુંબઈથી પાટણ આવ્યા હતા અને તિજોરીની તપાસ કરતાં અંદરથી 8000 રૂપિયાની રોકડ ચોરી થઈ હોવાનું જણાયું હતું. તેમણે પાટણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ