પાટણ, 13 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ સિટી એ-ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને આરોપી જીતેન્દ્ર દિનેશભાઈ મોદીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. મીલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે સર્વેલન્સ સ્ટાફ પાટણ શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ગોળશેરી, ખેતરપાળના પાડા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં થયેલી ચોરીનો પર્દાફાશ કર્યો હતો.
આરોપીને ખબર હતી કે મકાન માલિક મુંબઈ રહે છે અને મકાન લાંબા સમયથી બંધ છે. તેણે દિવસના સમયે મકાનના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડીને રોકડ રૂ. 8,000ની ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 9,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડા રૂપિયા 8,000 ઉપરાંત કટર ગ્રાઇન્ડર, તૂટેલી કટર પ્લેટ અને પ્લગ વાયરનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીની અટકાયત કરીને પાટણ સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા કલમ 331(3), 331(4), અને 305(એ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ