પાટણ, 13 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ લોકલ ક્રાઈમ બ્રાંચે સિદ્ધપુર વિસ્તારમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ LCB ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માહિતી મુજબ, રાજસ્થાનથી એક ટ્રકમાં સ્ક્રેપની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો.
પોલીસે સિદ્ધપુરના બિંદુ સરોવર પીક અપ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવીને RJ.19.GC.1465 નંબરની ટ્રક રોકી તપાસ કરતા, તેમાં પ્લાયવુડના ખાનામાં છૂપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 6480 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેના માર્કેટ મૂલ્ય રૂ. 47,84,880 થાય છે.
આ સાથે ટ્રક ચાલક પારસરામ હિરારામ સુંડારામ બિશ્નોઈ (ઉ.વ. 44, રહે. વિષ્ણુનગર, જોધપુર)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ટ્રક, સ્ક્રેપ, મોબાઇલ ફોન અને GPS સિસ્ટમ સહિત કુલ ₹59,10,380નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂનો જથ્થો ભાવનગરના અજાણ્યા શખ્સ માટે મંગાવવામાં આવ્યો હતો અને રાજસ્થાનના બાડમેરથી પપ્પુરામ બિશ્નોઈ દ્વારા મોકલાયો હતો. બાકી રહેલા બંને આરોપીઓને પકડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીને સિદ્ધપુર પોલીસ સ્ટેશનના હવાલે કરાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ