ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર વિસ્તારમાં સામાન્ય નાગરીકોમાં ડર અને ભય ફેલાય તે રીતે સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ્સ પર હથિયાર સાથેના ફોટા અને વિડીયો અપલોડ કરનાર એક ઈસમને ગીર-સોમનાથ એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યો છે.
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર-સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સોશ્યલ મિડીયા પર હથિયાર સાથે દેખાવ કરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. તે મુજબ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વાઘેલા તથા તેમની ટીમ કોડીનાર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે સાજીદભાઇ અમલભાઇ બ્લોચ રહેવાસી : નગડલા ગામ, તા. કોડીનાર, જી. ગીર-સોમનાથ નામના આરોપીને પકડી પાડ્યો હતો.આરોપી પાસેથી જપ્ત કરાયેલ હથિયાર દેશી બનાવટની જામગરી બંદુક (કિંમત અંદાજે રૂ. ૧૦૦૦/-) આરોપીએ ગેરકાયદેસર રીતે હથિયાર રાખી તેનો સોશ્યલ મિડીયા પર વિડીયો અપલોડ કર્યો હતો. પોલીસે તેને જામગરી બંદુક સાથે ઝડપી પાડી કોડીનાર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તથા જી.પી.એ. ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
ગીર-સોમનાથ પોલીસ દ્વારા સોશ્યલ મિડીયામાં હથિયાર સાથેનો દેખાવો કરી ભય ફેલાવનાર સામે, આવનારા દિવસોમાં પણ કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ