પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)રાધનપુરમાં કેનાલના પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં ઝમઝમ સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. આ સ્થિતિને કારણે સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. તેઓને દૈનિક જીવનમાં અનેક અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે.
સોસાયટીના પ્રમુખ જમીલભાઈ બેલીમે તાત્કાલિક નગરપાલિકાના કોર્પોરેટર તથા વિરોધ પક્ષના નેતા જાબીરહુસેન ભાટીને જાણ કરી હતી. તેમના પ્રયાસો બાદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે કેનાલ અને સોસાયટીની મુલાકાત લઈ રહીશો સાથે સંવાદ સાધ્યો અને સમસ્યાની ગંભીરતા સમજવાની કોશિશ કરી.
નગરપાલિકાના પ્રમુખે રહીશો સાથે પાણીના નિકાલ માટે તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી છે. તંત્ર દ્વારા તુરંત કામગીરી શરૂ કરવામાં આવી છે અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી રહીશોને આરામ મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ