જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નવનિર્મિત ઓવરબ્રિજનું કામ 99% પૂર્ણ થયા છતાં લોકાર્પણ માટે રોકી રાખવામાં આવતા, કોંગ્રેસે પ્રજાને સાથે રાખીને તેને ખુલ્લો મૂકી દીધો હતો. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરુ થયો છે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પુલનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું હતું, પરંતુ ભાજપના નેતાઓ આકાઓ ને ખુશ કરવા માટે અને મુહૂર્ત માટે રાહ જોતા હોવાથી લોકાર્પણમાં વિલંબ થઈ રહ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને અન્ય કોંગી કોર્પોરેટરો તથા કાર્યકરોએ આજે એકત્ર થઈને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પુલ પર મૂકવામાં આવેલી લોખંડની એંગલ દૂર કરી અને જાતે જ પુલને પ્રજા માટે ખુલ્લો મૂકી દીધો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, ભાજપ વિકાસના કાર્યોને પણ રાજકારણનો મુદ્દો બનાવી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકરોનું કહેવું છે કે, આ પુલ પ્રજાના પૈસે બન્યો છે અને પ્રજાને તેની સુવિધા મળવી જોઈએ.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આ ઘટનાએ શહેરમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. પુલ ખુલ્લો મૂકાયા બાદ પણ ટ્રાફિક ડાયવર્ઝન યથાવત્ રહ્યું છે. જોકે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ લોકાર્પણને કારણે ભાજપ માટે એક ધર્મસંકટ ઊભું થયું છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સરકાર આ મામલે શું વલણ અપનાવે છે અને પુલનું વિધિવત લોકાર્પણ ક્યારે કરે છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt