પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણની શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયની વિદ્યાર્થિની ડિનલ વિઠાણીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સફળતા મેળવી છે. ડિનલની પસંદગી FIBA U-16 વિમેન્સ એશિયા કપ 2025 ડિવિઝન બી માટે ભારતીય અન્ડર-16 મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ મલેશિયાના સેરેમબાન શહેરમાં 13 થી 19 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાઈ રહી છે, જેમાં ભારતે ગ્રુપ એમાં રહી ઈરાન, સમોઆ અને ઉઝબેકિસ્તાન સામે વિજય મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ડિનલ વિઠાણીએ નિલય ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) પાટણમાં તાલીમ લીધી છે. તેની મહેનત, નિષ્ઠા અને પ્રતિબદ્ધતાના પરિણામે તેણે ટૂંક સમયમાં જ ઇન્ડિયા કેમ્પમાં સ્થાન મેળવ્યું હતું, જે તેનાં માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થયું.
DLSS પાટણની સફળ સ્થાપનામાં આચાર્ય ડૉ. બળદેવભાઈ દેસાઈ, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી અને કિરણભાઈ પટેલે મહત્વની ભૂમિકા ભજવી છે. શ્રી પાટણ જૈન મંડળના પ્રમુખ દાનેશભાઈ શાહ સહિત સંસ્થાના હોદ્દેદારોએ ડિનલ વિઠાણીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ