પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.): આયુષ મંત્રાલયના તાજા નિર્ણય મુજબ, હવે દર વર્ષે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ધનતેરસના બદલે 23 સપ્ટેમ્બરે ઉજવાશે. પાટણ જિલ્લામાં આ ઉજવણી શંખેશ્વરના રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર ખાતે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. કાર્યક્રમ નિયામક આયુષની કચેરી અને આરોગ્ય વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આયુર્વેદ અધિકારીની દેખરેખ હેઠળ થશે. આ વર્ષની થીમ 'આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ' રાખવામાં આવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત 8 મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં સ્થૂળતા માટે આયુર્વેદિક આહાર, ડિજિટલ આયુર્વેદ, કેન્સર સારવારમાં આયુર્વેદની ભૂમિકા, વિદ્યાર્થીઓ માટે જાગૃતિ, પશુ અને વનસ્પતિ સ્વાસ્થ્ય માટે આયુર્વેદના ઉપયોગનો સમાવેશ થાય છે. તેમજ આયુષ દવાખાનાઓ અને આયુષમાન આરોગ્ય મંદિરોમાં વિવિધ આરોગ્ય કાર્યક્રમો જેમ કે નિદાન-ચિકિત્સા કેમ્પ, સુવર્ણપ્રાશન કેમ્પ, યોગ શિબિર, ઉકાળા વિતરણ કેમ્પ અને પોષણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. વર્ષા બી. પટેલ અને તેમની ટીમ દ્વારા તમામ નાગરિકોને કાર્યક્રમમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે – આયુર્વેદના વૈજ્ઞાનિક સિદ્ધાંતો દ્વારા લોકોના સ્વાસ્થ્યનું સંરક્ષણ અને સંવર્ધન કરવું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ