પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.)રોટરી ક્લબ ઓફ પાટણ, આસ્થા કિડની હોસ્પિટલના ડૉ. સુરેશભાઈ ઠક્કર અને 100 નચિકેતા ફાઉન્ડેશનના રવિભાઈ પટેલના સહયોગથી 5 ઓક્ટોબર, 2025ના રોજ પાટણમાં પિન્ક પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડ આનંદ સરોવરથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થવાથી ફરી આનંદ સરોવર ખાતે સમાપ્ત થશે. આ પરેડનો મુખ્ય ઉદ્દેશ સ્તન અને સર્વાઇકલ કેન્સર અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, ખાસ કરીને મહિલાઓના જોડાવાની અપેક્ષા છે.
પરેડના સમાપન પછી આનંદ સરોવર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં આરોગ્ય નિષ્ણાતો સ્તન અને સર્વાઇકલ કેન્સરના લક્ષણો, નિવારણ અને સારવાર અંગે માહિતી આપશે. સાથે સાથે કેન્સર સામે લડી રહેલા દર્દીઓની પ્રેરક ગાથાઓ પણ રજૂ કરાશે, જે ઉપસ્થિત લોકોને વધુ સચેત અને પ્રેરિત કરશે.
રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ ડૉ. પરિમલ જાની જણાવે છે કે કેન્સર અંગેની અજાણકારી મહિલાઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ પ્રયાસ તેમનામાં આરોગ્યપ્રતિ જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યો છે.
આયોજકોએ પાટણના તમામ નાગરિકો, ખાસ કરીને યુવાનો અને મહિલાઓને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે જેથી સમાજમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને અધિકારો અંગે સશક્ત સંદેશ પહોંચાડવો શક્ય બને.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ