પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ શહેરના વોર્ડ નંબર 11માં આવેલી શ્યામ બંગ્લોઝ સોસાયટીના રહીશો છેલ્લા એક વર્ષથી પાણીની અનિયમિતતા અને ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે. ઘણીવાર આવતું પાણી પીનલાયક ન હોવાના કારણે રહીશોના આરોગ્ય પર પણ ખતરો ઊભો થયો છે. આ સમસ્યા અંગે રહીશો અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ મળ્યો નથી.
આજ રોજ આ સોસાયટીની મહિલાઓએ નગરપાલિકાની વોટર વર્ક્સ શાખા ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. મહિલાઓએ ચીમકી આપી કે સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તેઓ પાલિકા છોડી નહીં જાય. તેમણે બોર ઓપરેટર અને ટેન્કર માફિયા વચ્ચે મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમના કહેવા મુજબ, બોર ઓપરેટર પાણીની માગણી કરતાં ટેન્કર બોલાવવાની સલાહ આપે છે.
રહીશોએ પણ ચૂંટણી સમયે મત માંગવા આવેલા કોર્પોરેટરો હવે ગાયબ થઇ જતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. આજે ઉપપ્રમુખ હિનાબેન શાહ અને વિસ્તારના કોર્પોરેટર જયેશ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હિનાબેન શાહે રહીશો ને સમસ્યાના નિકાલની ખાતરી આપી હતી, જ્યારે જયેશ પટેલે પાલિકા ખાતે દોડી જઈ હૈયાધારણા આપી હતી. રહીશો હવે તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ સાથે આશા રાખી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ