પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.): અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ટેટ પરીક્ષાની અસરે પીડિત શિક્ષકોના હિતમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે અને એક જ સમયે જિલ્લા કલેક્ટરોને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.
આ આવેદનપત્રમાં મહાસંઘે મુખ્ય માગણીઓ તરીકે 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકો પર ન્યાયાલયના નિર્ણયને લાગુ ન કરવા, તેમની નોકરી અને ગરિમાની સુરક્ષા માટે નીતિગત નિર્ણય લેવાની માંગ કરી છે. પાટણ જિલ્લામાં કલેક્ટર તુષાર ભટ્ટને આવેદનપત્ર આપાયું હતું, જ્યાં પ્રાંત મહિલા મંત્રી ડો. હેમાંગીબેન પટેલ, ઉત્તર સંભાગ સંગઠન મંત્રી બાબુભાઈ દેસાઈ સહિતના હોદ્દેદારોએ હાજરી આપી હતી.
ગુજરાત અધ્યક્ષ મિતેષ ભટ્ટ અને મહામંત્રી પરેશ પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર શિક્ષકોના હિતમાં સકારાત્મક નિર્ણય લે તેવી અપેક્ષા છે. મહાસંઘ દ્વારા આગામી સમયમાં કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને અખિલ ભારતીય કક્ષાએથી મળતી સૂચનાઓના આધારે આગામી કાર્યક્રમો યોજવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ