અમરેલી,17 સપ્ટેમ્બર (હિ.સ.)
અમરેલી જિલ્લામાં સહકારી ક્ષેત્રની અગત્યની સંસ્થાઓ દ્વારા આવનારી 21 સપ્ટેમ્બર 2025ના રોજ વાર્ષિક સાધારણ સભાનું આયોજન થવાનું છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે, જેનાથી સહકારી ક્ષેત્રના કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ વાર્ષિક સભામાં અમરેલી જિલ્લા સહકારી સંઘ, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, અમર ડેરી અને અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ જેવી ચાર મુખ્ય સંસ્થાઓ સાથે જિલ્લાના વિવિધ સેવા મંડળીઓ અને શરાફી મંડળીઓ પણ જોડાશે. બેઠકમાં સંસ્થાઓના ગયા વર્ષના હિસાબો, ભવિષ્યની યોજનાઓ અને ખેડૂતોને વધુ સશક્ત બનાવવા માટેના કાર્યક્રમોની ચર્ચા થવાની છે.
આ પ્રસંગે સહકારી આંદોલનના મહત્વ, જિલ્લા સહકારીઓને મળેલી સફળતા અને આવનારા સમયમાં ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે કેવી રીતે વધુ પ્રગતિ શક્ય બને તેના મુદ્દાઓ પર મુખ્યમંત્રી માર્ગદર્શન આપશે તેવી અપેક્ષા છે. આમ, અમરેલી જિલ્લામાં સહકાર આંદોલનને નવી દિશા આપનાર આ સભા ઐતિહાસિક સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai