અમરેલી 2 સપ્ટેમ્બર (હિ.સ.)
અમરેલી જિલ્લામાં ફરી એકવાર એશિયાટિક સિંહોની હાજરી જોવા મળી છે. અમરેલી નજીક આવેલા મોટા ગોખરવાળા ગામની બાજુમાં ગઈ રાત્રી દરમિયાન ત્રણ સિંહ લટાર મારતા જોવા મળ્યા હતા. ગામ નજીકથી પસાર થતા એક વાહન ચાલકે આ દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થતા ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
મોટા ગોખરવાળા ગામનું ભૌગોલિક સ્થાન ગીર અભયારણ્યથી બહુ દૂર નથી, જેના કારણે વારંવાર આવા દ્રશ્યો જોવા મળે છે. છતાંય સિંહો ગામની આસપાસ સુધી પહોંચી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે આ ત્રણેય સિંહો ગામની બાજુમાં આવેલી રોડ પર ધીમી ગતિએ ફરતા જોવા મળ્યા હતા. સિંહોના કડક ગર્જનાના અવાજો પણ સંભળાતા હોવાથી આસપાસના લોકો ચોંકી ગયા હતા.
સ્થાનિક લોકોનું માનવું છે કે ગોખરવાળા સુધી સિંહોના આગમનથી સ્પષ્ટ થાય છે કે હવે સિંહોના પ્રભાવક્ષેત્રમાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ અમુક કિલોમીટર દૂર સુધી જ સિંહો જોવા મળતા, પરંતુ હવે તેઓ સીધા ગામની સરહદે આવી પહોંચતા જણાઈ રહ્યા છે.
વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે અને અધિકારીઓએ ગ્રામજનોને રાત્રિ દરમિયાન બહાર ન નીકળવાની તથા સાવચેતી રાખવાની સલાહ આપી છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અમરેલી જિલ્લામાં “સિંહનું સામ્રાજ્ય” હવે ગામોની બાજુએ સુધી વ્યાપી રહ્યું છે. પ્રકૃતિના આ વિરાટ શાસકને નજીકથી જોવાનું દ્રશ્ય લોકોમાં રોમાંચ પેદા કરે છે, પરંતુ સાથે સાથે સુરક્ષા અંગે ચિંતા પણ ઊભી કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai