સુરત, 2 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં રહેતી યુવતીને પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. જેઓએ યુવતીના ઘરે બેઠા બેઠા જ ગૂગલમાં રિવ્યુ ટાસ્ક પુરા કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી વાતોમાં ભોળવી તેમની પાસેથી રૂપિયા 16.90 લાખ પચાવી પાડ્યા હતા અને બાદમાં માત્ર 3000 રૂપિયા પરત આપી બાકીના 16.87 લાખ પરત નહીં કરી ઠગબાજોએ છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર પરણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ રાજકોટના પડધરી તાલુકાના વતની અને અમરોલીમાં છાપરાભાઠ રોડ પર બાપ્સ મંદિરની પાછળ આવેલ અક્ષર રો હાઉસમાં રહેતા અંકુરભાઈ ડાહ્યાભાઈ વેજપરાની પત્ની નિરાલીબેનને ઓનલાઈન ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. અજાણ્યા ઈસમોએ સૌપ્રથમ પરણીતાનો મોબાઈલ નંબર એક વહાર્ટસઅપ ગ્રુપમાં એડ કર્યો હતો. જ્યાંથી તેમની સાથે વાતચીત કરી તેમને પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી ટેલિગ્રામની લીંક આપી હતી. જેથી નિરાલીબેન તેમની સાથે ટેલિગ્રામમાં જોડાયા બાદ અલગ અલગ વ્યક્તિઓએ તેમની સાથે વાતચીત કરી ઘરે બેઠા બેઠા જ માત્ર ગૂગલમાં રીવ્યુ ટાસ્ક કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી લાલચ આપી તેમની પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને ત્યારબાદ તેમાં રજીસ્ટ્રેશન કરાવી ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરાવી બાય અપ ડાઉનના ટાસ્ક કરવા માટે તેમના પતિ અને ભાઈના બેન્ક એકાઉન્ટ નંબરો એડ કરાવ્યા હતા. ત્યારબાદ પરણીતા પાસેથી અલગ અલગ બહાને કુલ રૂપિયા 16.90 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ત્યારબાદ માત્ર કે પૈકી 3000 રૂપિયા પરત આપી બાકીના 16.87 લાખ પરત નહીં આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. જેથી પરણીતાને બાદમાં પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા તેમણે ગતરોજ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિરાલી વેજપરા ની ફરિયાદ લઈ અજાણ્યા ઈસમો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે