રશિયા ખાતે યોજાનાર વિશ્વ યુવા મહોત્સવ 2025 માં ગુજરાતની દીકરી અંજલી પટેલની પસંદગી
ગાંધીનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.): કર્ણાવતી યુનિવર્સિટી માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે, કારણ કે યુનિવર્સિટીના નેશનલ સર્વિસ સ્કીમ (NSS) ના કાર્યક્રમ અધિકારી અંજલી પટેલની રશિયાના નિઝની નોવેગોર્ડ શહેર ખાતે 16 થી 22 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાનાર વિશ્વ યુવા મહોત
અંજલી પટેલ


અંજલી પટેલ


ગાંધીનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.): કર્ણાવતી યુનિવર્સિટી માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે, કારણ કે યુનિવર્સિટીના નેશનલ સર્વિસ સ્કીમ (NSS) ના કાર્યક્રમ અધિકારી અંજલી પટેલની રશિયાના નિઝની નોવેગોર્ડ શહેર ખાતે 16 થી 22 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાનાર વિશ્વ યુવા મહોત્સવ માટે પસંદગી થઈ છે.

આ વિશ્વ યુવા મહોત્સવમાં સમગ્ર વિશ્વમાંથી વિવિધ ક્ષેત્રોના 1000 યુવાનો ભાગ લેશે. 160 થી વધુ દેશોના યુવાનોને એક મંચ પર લાવતા આ મહોત્સવમાં અંજલી ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જે કર્ણાવતી યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. અંજલી પટેલે પોતાના કોલેજકાળથી જ NSS સાથે જોડાઈને સમાજસેવાના અનેક પ્રોજેક્ટોમાં સક્રિય યોગદાન આપ્યું છે. અગાઉ, કડી સર્વ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીની તરીકે અને NSS સ્વયંસેવક તરીકે, તેમણે ચીનમાં યોજાયેલી યુવા શિબિરમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે યુનિવર્સિટી અને રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને તેમના કોલેજ કાળ દરમિયાન વર્ષ ૨૦૧૬-૧૭ ના રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર ભારત સરકાર ના એન. એસ. એસ. વિભાગ દ્વારા તેમને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાના ગામ મગોડીમાં પણ તેમણે અનેક સેવાકીય કાર્યો કર્યા છે, અને અનેક NGO તથા જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે.

અંજલીની આ સિદ્ધિ ભારત સરકારના વિવિધ કાર્યક્રમો જેવા કે 'સ્કિલ ઈન્ડિયા', 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા' અને 'મહિલા સશક્તિકરણ'નું પ્રતિબિંબ છે, જે યુવાનોને, ખાસ કરીને દીકરીઓને, આગળ વધવા માટે પ્રેરણા આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત વિશ્વમાં યુવા શક્તિનું કેન્દ્ર બની રહ્યું છે, અને અંજલી પટેલ જેવી યુવા પ્રતિભાઓ આ પ્રગતિનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિતેશ હાડા અને રજિસ્ટ્રાર ડૉ. તારિક અલી સૈયદે અંજલીની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવતા આશા વ્યક્ત કરી હતી કે તે મહોત્સવમાં યુવા ઉત્થાન અને સમાજ કલ્યાણના મુદ્દાઓ પર પોતાનું અમૂલ્ય યોગદાન આપશે. આ મહોત્સવ પર્યાવરણની જાળવણી, માનવ સમાનતા અને વૈશ્વિક પ્રગતિ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચાનું મંચ પૂરું પાડશે.

એન. પી. સી. ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ ભારતના 35 યુવાનોનું પ્રતિનિધિમંડળ આ યુવા મંચ પર માત્ર ભાગ જ નહીં લે, પરંતુ મહત્વપૂર્ણ યોગદાન પણ આપશે. આવા સમયે, અંજલી પટેલ જેવા પ્રતિભાશાળી યુવા પ્રતિનિધિઓ સમગ્ર વિશ્વને ભારતના સકારાત્મક દૃષ્ટિકોણથી પરિચિત તો કરાવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande